મોરબી શહેરના મધ્યમાં આવેલા પાડા પુલ પરથી આજે બપોરના સમયે બે લોકોએ નદીમાં ઝંપલાવ્યું હોવાની ગંભીર આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ આશંકાના પગલે તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે દોડી આવી છે અને શોધખોળની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કેટલાક સ્થાનિક લોકો અને પુલ પરથી પસાર થઈ રહેલા વાહનચાલકોએ પુલ પરથી કોઈ વ્યક્તિને નદીમાં કૂદતા જોયા હોવાની જાણકારી આપી હતી.


આશંકાના આધારે ફાયરની ટીમે શોધખોળ હાથ ધરી

જોકે પુષ્ટિ વગર બે લોકોએ ઝંપલાવ્યું હોવાની આશંકાના આધારે તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ મોરબી ફાયર વિભાગની ટીમે યુદ્ધના ધોરણે શોધખોળની કામગીરી હાથ ધરી છે. ફાયરના જવાનો નદીના પાણીમાં ઉતરીને કૂદનારા લોકોની તલાશ કરી રહ્યા છે. આ ગંભીર બનાવની જાણ થતાં જ સ્થાનિક લોકોના અને રસ્તા પરથી પસાર થતા લોકોના ટોળેટોળાં પાડા પુલ અને તેની આસપાસના વિસ્તારમાં એકઠા થઈ ગયા હતા.

લોકોના ટોળા મોરબીના બેઠા પુલ પર જોવા ઉમટ્યાં

ભીડને નિયંત્રિત કરવા માટે અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી છે અને કામગીરી શરૂ કરી છે. પોલીસ દ્વારા પુલ પરથી ઝંપલાવનાર વ્યક્તિઓ કોણ હતા અને તેમની ઓળખ શું છે તેમજ આ પગલું ભરવા પાછળનું કારણ શું હોઈ શકે છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નજીકના વિસ્તારમાંથી કોઈ લાપતા થયું છે કે કેમ તે અંગેની તપાસ પણ ચાલી રહી છે. હાલમાં નદીમાં શોધખોળની કામગીરી પૂરજોશમાં ચાલુ છે.


  • Follow us on: