મોરબી-માળિયા હાઇવે પરથી પસાર થતા એક વાહનમાં કરવામાં આવેલી અત્યંત જોખમી સવારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. આ વીડિયોમાં એક જ વાહનમાં 15થી વધુ લોકો જોખમી રીતે લટકીને અને બેસીને મુસાફરી કરતા જોવા મળે છે. જે કોઈ મોટી દુર્ઘટનાને નોતરી શકે છે. વાયરલ થયેલા આ વીડિયો ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વાહનની અંદર જગ્યા ન હોવા છતાં પાછળના ભાગમાં મહિલાઓ સહિતના લોકો લટકી રહ્યા છે.


પીરામીડ જેમ સવારી કરતો વિડીયો વાઈરલ

આશ્ચર્યજનક રીતે વાહનની ટોચ પર એટલે કે ઉપરના ભાગે પણ બાળકો સહિતના લોકો પિરામિડની જેમ ગોઠવાઈને અત્યંત જોખમી રીતે સવારી કરી રહ્યા છે. આ દ્રશ્યો જોતાં સવાલ થાય છે કે જો સહેજ પણ બેલેન્સ ખોરવાય તો મોટી જાનહાનિ સર્જાય. આ વીડિયો વાયરલ થયા બાદ હાઇવે પર પોલીસના પેટ્રોલિંગ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. આટલી જોખમી રીતે લોકોની અવરજવર થતી હોવા છતાં હાઇવે પર પેટ્રોલિંગ કરતી પોલીસને આવા વાહનો કેમ નજરે નથી પડી રહ્યા?

કોઈ દુર્ધટના બને તો જવાબદાર કોણ ?

સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે પોલીસ માત્ર પેટ્રોલિંગના નાટક કરી રહી છે અથવા તો આવા ગંભીર ટ્રાફિક ઉલ્લંઘન સામે આંખ આડા કાન કરીને તેમને દંડ કર્યા વિના જવા દે છે. લોકો પૂછી રહ્યા છે કે જો આ જોખમી સવારીને કારણે કોઈ મોટો અકસ્માત સર્જાય અને જાનહાનિ થાય તો તેની જવાબદારી કોની રહેશે? પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા આવા બેજવાબદાર અને જોખમી ડ્રાઇવિંગ કરનારા વાહનચાલકો સામે તાત્કાલિક કડક કાર્યવાહી થવી જોઈએ. જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષનો ભોગ ન લેવાય.


  • Follow us on: