નડીઆદ મહાનગરપાલિકા દ્વારા આજે મહત્વપૂર્ણ જનરલ બોર્ડ (સામાન્ય સભા)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સામાન્ય સભામાં શહેરી વિકાસ અને નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને વિવિધ મહત્વની સમિતિઓની સત્તાવાર રચના કરવામાં આવી છે. બેઠક દરમિયાન પાણી અને ડ્રેનેજ સમિતિ, સામાજિક મહિલા ન્યાય સમિતિ, હેરિટેજ કલચર કમિટી તેમજ રેવન્યુ, હાઉસિંગ, સેનેટરી અને આરોગ્ય જેવી મહત્વપૂર્ણ કમિટીઓની વરણી કરવામાં આવી હતી, જેનાથી પાલિકાના વહીવટી કાર્યોને વધુ વેગ મળશે.
ટાઉન પ્લાનિંગ, ફાયર અને લાઈટ કમિટી રચાઈ, કારોબારી સભ્યોની જાહેરાત
આ ઉપરાંત જનરલ બોર્ડમાં ટાઉન પ્લાનિંગ, ફાયર અને લાઈટ કમિટીની પણ રચના કરવામાં આવી છે. બેઠકમાં તમામ સમિતિઓના નવા કારોબારી સભ્યોની યાદી જાહેર કરવામાં આવી હતી. નિયમ મુજબ હવે આ નવી રચાયેલી કમિટીઓના નવનિયુક્ત સભ્યો દ્વારા પરસ્પર સહમતિથી પોતપોતાની કમિટીના ચેરમેનની પસંદગી કરવામાં આવશે. કમિટીઓ અસ્તિત્વમાં આવતાં આગામી દિવસોમાં નડીઆદ શહેરમાં વિકાસના કાર્યો અને નાગરિકોના પ્રશ્નોના નિકાલની પ્રક્રિયા વધુ ઝડપી બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
