ભારતીય રેલવે દ્વારા પશ્ચિમ ભારતથી પૂર્વ ભારતને સીધી રીતે જોડવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી બિહારના બરૌની વચ્ચે નવી ‘અમૃત ભારત એક્સપ્રેસ’ ટ્રેનને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. કુલ 2,532 કિલોમીટર જેટલું લાંબું અંતર કાપતી આ આધુનિક ટ્રેન સેવા શરૂ થવાથી બંને રાજ્યો વચ્ચેનો સંપર્ક વધુ મજબૂત બનશે અને મુસાફરોની લાંબા સમયથી ચાલી આવતી માંગ સંતોષાશે.

અઠવાડિયામાં 3 દિવસ દોડશે ટ્રેન

રેલવે વિભાગ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ આ ટ્રેન અઠવાડિયામાં 3 દિવસ સેવા આપશે. ટ્રેન નંબર 19427 (ભુજ-બરૌની અમૃત ભારત એક્સપ્રેસ) ભુજથી દર સોમવાર, બુધવાર અને શનિવારે સાંજે 5:30 વાગ્યે ઉપડીને ત્રીજા દિવસે સવારે 4:05 વાગ્યે બરૌની પહોંચશે. જ્યારે વળતી દિશામાં ટ્રેન નંબર 19428 (બરૌની-ભુજ અમૃત ભારત એક્સપ્રેસ) બરૌનીથી દર મંગળવાર, ગુરુવાર અને શનિવારે રાત્રે 11:55 વાગ્યે ઉપડીને બપોરે 1:15 વાગ્યે ભુજ પરત ફરશે. આ સુવિધાથી મુસાફરોને સમયની બચત સાથે આરામદાયક સફરનો અનુભવ થશે.

https://x.com/sandeshnews/status/2103400768443498966?s=20

4 રાજ્યોના મુખ્ય સ્ટેશનોને જોડતો વિશાળ રૂટ

આ નવી અમૃત ભારત એક્સપ્રેસ દેશના ચાર મહત્વપૂર્ણ રાજ્યો - ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારને સીધી સાંકળશે. આ લાંબી સફર દરમિયાન ટ્રેન અમદાવાદ, રતલામ, કોટા, મથુરા, બરેલી, ગોરખપુર, હાજીપુર અને મુઝફ્ફરપુર જેવા દેશના પ્રમુખ રેલવે સ્ટેશનો પર રોકાણ કરશે. આ રૂટ પરથી પસાર થવાને કારણે માત્ર ગુજરાત અને બિહાર જ નહીં, પરંતુ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના અનેક શહેરોના વેપારીઓ, શ્રમિકો, વિદ્યાર્થીઓ અને સામાન્ય પ્રવાસીઓને મોટો અને સીધો આર્થિક તથા વ્યવહારિક ફાયદો થશે.

આ પણ વાંચો : Ahmedabadના લાલદરવાજામાં વાહન ખસેડવા બાબતે કાકા-ભત્રીજા પર હુમલો, કારંજ પોલીસે 6 આરોપીઓને દબોચ્યા