આમ આદમી પાર્ટી (AAP) ના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. "લાફાકાંડ" તરીકે ઓળખાતા કેસમાં નર્મદા ડિસ્ટ્રીક્ટ કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી છે, જેના પગલે તેમને હજુ પણ જેલમાં જ રહેવું પડશે. ધારાસભ્ય ચૈતર વસાવા 5 જુલાઈ, 2025 થી જેલમાં છે.
કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી
પ્રાપ્ત માહિતી અનુસાર, ચૈતર વસાવા પર એક બનાવમાં "લાફો" મારવાનો આરોપ છે, જેને કારણે આ કેસ "લાફાકાંડ" તરીકે જાણીતો બન્યો છે. આ કેસની તપાસ ચાલી રહી છે અને કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ચૈતર વસાવા દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર નર્મદા ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં સુનાવણી થઈ હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, કોર્ટે ધારાસભ્યની જામીન અરજીને નામંજૂર કરવાનો નિર્ણય લીધો હતો.
ચૈતર વસવાને હાલમાં જેલમાં જ રહેવું પડશે
આ નિર્ણયનો અર્થ એ છે કે ચૈતર વસાવાને હાલ પૂરતો જેલમાંથી મુક્તિ મળશે નહીં અને તેમને ન્યાયિક કસ્ટડીમાં જ રહેવું પડશે. આ ઘટના આમ આદમી પાર્ટી માટે પણ એક ફટકા સમાન છે, કારણ કે તેમના એક ચૂંટાયેલા પ્રતિનિધિ લાંબા સમયથી જેલમાં છે. ચૈતર વસાવા 5 જુલાઈથી જેલમાં છે, અને જામીન અરજી રદ થતાં તેમનો જેલવાસ લંબાયો છે. આગામી સમયમાં તેમના વકીલો દ્વારા ઉપલી અદાલતમાં જામીન માટે અપીલ કરવામાં આવે તેવી શક્યતા છે. આ કેસ ગુજરાતના રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.