વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ખાતે પ્રવાસીઓ માટે એક નવું અને અદ્ભુત આકર્ષણ ઉમેરાવા જઈ રહ્યું છે. નર્મદા જિલ્લાના એકતાનગર (કેવડિયા) ખાતે આગામી 17 October 2026થી ભવ્ય 'એકતા પ્રકાશ પર્વ-2026'નો પ્રારંભ થશે. ગત વર્ષે પ્રવાસીઓ તરફથી મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આ વર્ષે આ રોશની મહોત્સવ આખા 3 મહિના સુધી ચાલશે. આ ઝળહળતું આયોજન 17 ઓક્ટોબર 2026થી શરૂ થઈને 15 જાન્યુઆરી 2027 સુધી પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરશે.
7.6 કિલોમીટર વિસ્તારમાં થીમ આધારિત લાઈટિંગ
આ પ્રકાશ પર્વ દરમિયાન એકતા દ્વારથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો સમગ્ર 7.6 કિમીનો વિસ્તાર રંગબેરંગી લાઈટોથી ઝળહળી ઉઠશે. આ લાઈટિંગ સામાન્ય ન હોતાં વિશેષ થીમ પર આધારિત હશે, જેમાં ભારતીય સંસ્કૃતિ, સમૃદ્ધ પરંપરા અને ઐતિહાસિક વારસાની અદભુત ઝાંખી રોશનીના માધ્યમથી રજૂ કરવામાં આવશે. પ્રકાશ, કલા અને સંસ્કૃતિનો આ અનોખો સંગમ પ્રવાસીઓને એક અદ્ભુત અનુભવ પૂરો પાડશે.

ઇન્ડોર અને આઉટડોર વિભાગોમાં ભારતીય સંસ્કૃતિનું પ્રદર્શન
પ્રવાસીઓને ભારતની વિવિધતામાં એકતાનો અહેસાસ કરાવવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
- ઇન્ડોર વિભાગ: આ વિભાગમાં ઉત્તર, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ભારતની સંસ્કૃતિ, કળા અને વારસાને દર્શાવતા વિશેષ પ્રદર્શનો યોજાશે.
- આઉટડોર વિભાગ: ખુલ્લા વિસ્તારમાં 11 મુખ્ય સેક્શન તૈયાર કરવામાં આવ્યા છે, જે પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે.

દીપ સુરંગ અને ભૂલકાંઓ માટે ખાસ આકર્ષણો
પ્રકાશ પર્વમાં નાગરિકો અને બાળકો માટે અનોખી રોશનીની દુનિયા ઊભી કરવામાં આવી છે. અહીં બનાવવામાં આવેલી 'દીપ સુરંગ' અને રંગબેરંગી પ્રકાશિત પુષ્પો પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દેશે. આ ઉપરાંત, બાળકો માટે વિશેષ રૂપે પશુઓ, રંગબેરંગી મશરૂમ અને જળચર દુનિયા આધારિત આકર્ષક લાઈટિંગ ઈન્સ્ટોલેશન તૈયાર કરવામાં આવ્યા છે.
સરદાર સરોવર ડેમ પર ડાયનેમિક લાઈટ એન્ડ સાઉન્ડ શો
આ મહોત્સવનું સૌથી મોટું અને વિશેષ આકર્ષણ સરદાર સરોવર ડેમ ખાતે જોવા મળશે. ડેમ પર યોજાનાર ડાયનેમિક લાઈટ એન્ડ સાઉન્ડ શો પ્રવાસીઓ માટે અવિસ્મરણીય અનુભવ બની રહેશે. શિયાળાની ઋતુમાં કેવડિયા ખાતે આવતા લાખો પ્રવાસીઓ માટે આ પ્રકાશ પર્વ યાદગાર ક્ષણો પૂરી પાડશે.
આ પણ વાંચો: Ahmedabadને પેરિસ બનાવવાની વાતો વચ્ચે ડ્રેનેજમાં પડેલી બાળકીને શોધવા તંત્ર નિષ્ફળ, સીસીટીવી તપાસના આદેશ