ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં જળરાશિનો વિપુલ જથ્થો જમા થતાં ડેમ 95 ટકાથી વધુ ભરાઈ ગયો છે. ડેમની મહત્તમ જળ ક્ષમતા 138.68 મીટર છે, જેની સામે હાલની જળ સપાટી 137.48 મીટરે પહોંચી ચૂકી છે. ડેમમાં હાલ 5,379.80 MCM (મિલિયન ક્યુબિક મીટર) જેટલો જીવંત જળજથ્થો (લાઈવ સ્ટોરેજ) ઉપલબ્ધ થતાં સમગ્ર ગુજરાત માટે પીવાના પાણી અને સિંચાઈની સુરક્ષા મજબૂત બની છે.

ઉપરવાસમાંથી 54,952 ક્યુસેક પાણીની આવક, પાવરહાઉસ કાર્યાન્વિત

ઉપરવાસમાં થઈ રહેલી આવકના કારણે નર્મદા ડેમમાં સતત 54,952 ક્યુસેક પાણી આવી રહ્યું છે. પાણીની આ ભારે આવકને પગલે જળ સપાટી નિયંત્રિત રાખવા માટે રિવર બેડ પાવરહાઉસ મારફતે નર્મદા નદીમાં 40,947 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાવરહાઉસ મારફતે પાણી વહાવવામાં આવતાં જળ વિદ્યુતનું પણ મોટા પાયે ઉત્પાદન થઈ રહ્યું છે.

કેનાલમાં 13,500 ક્યુસેક જાવક, કુલ જાવક 54,447 ક્યુસેક નોંધાઈ

નદી ઉપરાંત રાજ્યના વિવિધ વિસ્તારોમાં સિંચાઈ અને પીવાના પાણીની જરૂરિયાતો પૂરી કરવા માટે મુખ્ય કેનાલ મારફતે 13,500 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આમ, નદી અને કેનાલ મળીને ડેમમાંથી કુલ 54,447 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. ડેમ 95% થી વધુ ભરાઈ જતાં નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા જળ સપાટી પર ચોવીસે કલાક કડક મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : Surat News : રસોડાના કર્મચારીઓ પાસે જ નહોતા મેડિકલ સર્ટિફિકેટ! મનપાએ પીપી સવાણી સ્કૂલ સામે કરી મોટી કાર્યવાહી