નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત એકતા નગરમાં બનાવવામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા માટે દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. આ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસર પર તા.૩૧ ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ એકતા નગરને અનેક વિકાસ કાર્યો અને પ્રવાસન આકર્ષણોની ભેટ આપશે.
મહિલાઓ માટે અલગથી 4 પિન્ક બેઠક તૈયાર કરવામાં આવી છે
આ પ્રસંગે વડાપ્રધાન મોદીના હસ્તે પ્રવાસીઓની સુવિધા માટે નવી ૨૫ ઈ-બસોનું લોકાર્પણ કરવામાં આવશે. હાલ એકતા નગરમાં પહેલાથી જ ૩૦ ઈ-બસો દોડતી હોવાથી હવે કુલ ૫૫ ઈ-બસો પ્રવાસીઓને સેવામા કાર્યરત રહશે. આ તમામ ઈ-બસો પ્રવાસીઓ માટે મફત મુસાફરી સેવા પૂરી પાડે છે, જેથી એકતા નગરમાં પ્રવાસ વધુ આરામદાયક અને પર્યાવરણમિત્ર બને. ઉલ્લેખનીય છે કે, નવી ઉમેરાયેલી ઈ-બસો ૯ મીટર લાંબી મિનિ એસી બસો છે, જે એક વખત ચાર્જ કર્યા પછી ૧૮૦ કિલોમીટર સુધી દોડી શકે છે. દરેક બસમાં બે ઇમર્જન્સી એક્ઝિટ બારીઓ સાથે દિવ્યાંગજનો માટે ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મહિલાઓ માટે અલગથી ૪ પિન્ક બેઠક તૈયાર કરવામાં આવી છે, જેથી તેઓ સુરક્ષિત અને આરામદાયક રીતે મુસાફરી કરી શકે.













