આગામી નવરાત્રિ મહોત્સવને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા શહેરભરમાં સુરક્ષાનું અભેદ્ય કવચ પૂરું પાડવા માટે એક વિસ્તૃત મેગા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનર વાબાંગ ઝમીરે એક પત્રકાર પરિષદ યોજીને આ સુરક્ષા વ્યવસ્થાની વિગતો જાહેર કરી હતી. આ વર્ષે સુરતમાં 25 કોમર્શિયલ અને 9 નોન-કોમર્શિયલ ગરબા તેમજ રાવણ દહનના 2 કાર્યક્રમો માટે મંજૂરીની અરજીઓ મળી છે, જેને લઈને તંત્ર પૂરતી તૈયારીઓ કરી ચૂક્યું છે.

6000થી વધુ સુરક્ષા કર્મીઓ અને AI ડ્રોનથી નજર

સુરત શહેરની સુરક્ષા વ્યવસ્થાને અત્યંત મજબૂત બનાવવા માટે કુલ 15 DCP, 20 ACP, 60 PI, 158 PSI અને 2,880 પોલીસ જવાનો તૈનાત રહેશે. આ ઉપરાંત 3 SRP કંપનીઓ, 1,500 હોમગાર્ડ અને 1,400 TRB જવાનો પણ ફરજ બજાવશે. મોટા ગરબા આયોજનોના ગ્રાઉન્ડ પર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને AI કેમેરા અને ડ્રોન દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે, જેથી દરેક ગતિવિધિ પર બાજ નજર રાખી શકાય.

મહિલાઓની સુરક્ષા માટે ખાસ SHE ટીમ અને હેલ્પલાઇન

મહિલાઓ અને યુવતીઓ સુરક્ષિત રીતે ગરબાનો આનંદ માણી શકે તે માટે અંદાજે 40 જેટલી SHE ટીમો પરંપરાગત વેશભૂષામાં ગરબા સ્થળો પર સક્રિય રહેશે. આ ઉપરાંત કટોકટીના સમયે મહિલાઓને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવાની વિશેષ વ્યવસ્થા કરાશે અને 112 હેલ્પલાઇનની સુવિધા પણ સતત ઉપલબ્ધ રહેશે. આ સાથે સાથે સોશિયલ મીડિયા પર ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ અને મેસેજ પર પણ સાયબર સેલની વિશેષ નજર રહેશે.

Navratri 2026: Surat Police Mega Action Plan for Navratri: AI Cameras and 6000+ Personnel Deployed

ટ્રાફિક નિયંત્રણ અને આયોજકો માટે કડક સૂચનાઓ

સુરત શહેરના મુખ્ય પોઇન્ટ્સ અને ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવશે અને ડ્રિંક એન્ડ ડ્રાઇવ કરનારા અસામાજિક તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. તમામ ગરબા સ્થળો પર ફાયર સેફ્ટી, ઇલેક્ટ્રિક સેફ્ટી અને એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ્સની તપાસ બાદ જ NOC અપાશે. ક્ષમતા કરતાં વધુ લોકોને પ્રવેશ આપનાર આયોજકો સામે પણ કાયદાકીય ડંકો વગાડવામાં આવશે.


આ પણ વાંચો: Suratમાં ફોરેક્સ ટ્રેડિંગના નામે રૂ. 1.18 કરોડની ઠગાઈ, લાલગેટના ઝરી વેપારી સહિત 3 લોકો શિકાર બન્યા!