નવરાત્રી દરમિયાન સુરતમાં ગરબા રમવા નીકળતા લોકોની સુરક્ષા માટે પોલીસ તંત્રએ મેગા એક્શન પ્લાન તૈયાર કર્યો છે. પોલીસ કમિશનર વાબાંગ ઝમીરની પત્રકાર પરિષદમાં સુરક્ષા વ્યવસ્થા અંગે વિગતો આપવામાં આવી હતી. ગરબા સ્થળોથી લઈને શહેરના મુખ્ય રસ્તાઓ અને ચેકપોસ્ટ સુધી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે. મહિલાઓની સુરક્ષા, ટ્રાફિક નિયંત્રણ અને અસામાજિક તત્ત્વો પર નજર રાખવા વિશેષ વ્યવસ્થા ગોઠવાશે.
15 DCP સહિત હજારો જવાનો સુરક્ષામાં તૈનાત
નવરાત્રી દરમિયાન સુરક્ષાની જવાબદારી માટે 15 ડીસીપી, 20 ACP, 60 પીઆઈ, 158 પીએસઆઈ અને 2,880 પોલીસ જવાનો તૈનાત રહેશે. આ ઉપરાંત 3 એસઆરપી કંપની, 1,500 હોમગાર્ડ અને 1,400 ટીઆરબી જવાનો પણ ફરજ બજાવશે. ખાનગી વેશમાં પણ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે.
AI કેમેરા અને ડ્રોનથી ગરબા ગ્રાઉન્ડ પર નજર
સુરતમાં ગરબાના 25 કોમર્શિયલ અને 9 નોન-કોમર્શિયલ આયોજન માટે અરજીઓ મળી છે. રાવણ દહનના 2 કાર્યક્રમો માટે પણ અરજીઓ મળી છે. મોટા ગરબા ગ્રાઉન્ડ પર એઆઈ કેમેરા અને ડ્રોનની મદદથી સતત નજર રાખવામાં આવશે. ક્યુઆરટી, પીઆરસી અને બાઈક પેટ્રોલિંગ દ્વારા સુરક્ષા વધુ મજબૂત બનાવાશે.
મહિલાઓની સુરક્ષા માટે SHE ટીમ સક્રિય
મહિલાઓની સુરક્ષા માટે અંદાજે 40 શી ટીમ પરંપરાગત વેશભૂષામાં કાર્યરત રહેશે. જરૂરિયાતના સમયે મહિલાઓ 112 હેલ્પલાઇનનો સંપર્ક કરી શકશે. જરૂર પડે તો મહિલાઓને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવાની વ્યવસ્થા પણ રહેશે. ડીસીબી, એસઓજી અને સાયબર સેલની ટીમો પણ સતત વોચ રાખશે.
ડ્રિંક એન્ડ ડ્રાઇવ કરનારાઓની ખેર નહીં
નવરાત્રી દરમિયાન શહેરના મુખ્ય પોઇન્ટ અને ચેકપોસ્ટ પર વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવશે. દારૂ પીને વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી થશે. સોશિયલ મીડિયા પર ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ અને સંદેશાઓ પર પણ નજર રાખવામાં આવશે.
ફાયર સેફ્ટી વગર ગરબા આયોજન નહીં
ગરબા સ્થળોએ ફાયર સેફ્ટી, ઇલેક્ટ્રિક સેફ્ટી અને પ્રવેશ-બહાર નીકળવાના માર્ગોની તપાસ થશે. જરૂરી એનઓસી અને સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી બાદ જ આયોજનને મંજૂરી આપવામાં આવશે. ક્ષમતા કરતાં વધુ લોકોને પ્રવેશ આપનારા આયોજકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો : Nana Patekar : નાનાએ કર્યું પત્રકારનું ‘એન્કાઉન્ટર’! પહેલા રંગમંચ પરથી ધક્કો મારીને મને ઉતાર્યો અને...