વડોદરા જિલ્લામાં આગામી નવરાત્રી પર્વ દરમિયાન દીકરીઓ અને મહિલાઓ નિર્ભય બનીને ગરબા માણી શકે તે માટે જિલ્લા પોલીસ દ્વારા અત્યાધુનિક હાઇટેક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એસપી સુશીલ અગ્રવાલે પત્રકાર પરિષદમાં આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ વર્ષે સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે ખાસ 'નવરાત્રી સુરક્ષા એપ' વિકસાવવામાં આવી છે, જે ખેલૈયાઓની સુરક્ષામાં કવચ પૂરું પાડશે.
કેવી રીતે કામ કરશે નવરાત્રી સુરક્ષા એપ?
આ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે યુવતીઓએ પોતાના મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારબાદ યુવતીએ પોતાના ઘરના લોકેશનથી જ આ એપમાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જ્યારે યુવતી ગરબાના મેદાન પર પહોંચશે, ત્યારે ત્યાં આપેલા QR કોડને સ્કેન કરવાનો રહેશે. આ સ્કેનિંગ પ્રક્રિયા પૂર્ણ થવાથી યુવતી જ્યાં સુધી સુરક્ષિત ઘરે પાછી નહીં પહોંચે, ત્યાં સુધી તેની મુવમેન્ટ પર જિલ્લા પોલીસ દ્વારા સતત ડિજિટલ મોનિટરિંગ રાખવામાં આવશે.

