દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને ખાડી પૂરના કારણે સર્જાયેલી કટોકટીભરી સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા છે. પૂરથી ભારે પ્રભાવિત થયેલા નવસારી અને વલસાડ જિલ્લાની પરિસ્થિતિની સીધી સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી આજે નવસારી ખાતે આવી પહોંચ્યા છે. 

હાઇલેવલ બેઠક શરુ

અહીં પૂરની આપત્તિ અને તેનાથી થયેલા નુકસાન અંગે તેમજ ચાલી રહેલી બચાવ અને રાહત કામગીરીની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક હાઈલેવલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

વિવિધ અધિકારીઓ અને નેતાઓ હાજર

આ મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકમાં રાજ્યના કેબિનેટ મંત્રીઓ નરેશભાઈ પટેલ અને કનુભાઈ દેસાઈ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા છે. આ ઉપરાંત, કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી. આર. પાટીલ, વલસાડના સાંસદ ધવલ પટેલ તેમજ બંને જિલ્લાના તમામ ધારાસભ્યો અને ઉચ્ચ વહીવટી અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યા છે. બેઠક દરમિયાન કલેક્ટર અને આપત્તિ પ્રબંધનની ટીમો પાસેથી બંને જિલ્લામાં પૂરના ઓસરેલા પાણી, સ્થળાંતરિત કરાયેલા લોકોની વ્યવસ્થા અને માળખાકીય નુકસાની અંગેનો સવિસ્તાર ચિતાર મુખ્યમંત્રીએ મેળવ્યો છે.

પૂરગ્રસ્ત નીચાણવાળા વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે

આ આફતની ઘડીમાં અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય પહોંચાડવા અને કાટમાળ તેમજ પાણીના નિકાલ માટે યુદ્ધના ધોરણે કામ કરવા મુખ્યમંત્રીએ અધિકારીઓને કડક સૂચનાઓ આપી છે. નવસારી ખાતેની આ મહત્ત્વની બેઠક પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે હેલિકોપ્ટર મારફતે નવસારી અને વલસાડના પૂરગ્રસ્ત નીચાણવાળા વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે. હવાઈ નિરીક્ષણ બાદ રાજ્ય સરકાર દ્વારા આ બંને જિલ્લાઓ માટે કોઈ મોટી રાહત અને સહાય પેકેજની જાહેરાત કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. 


આ પણ વાંચો----    Sandesh Digital Explainer : દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર! આખરે દર વર્ષે આ જ વિસ્તાર સૌથી વધુ કેમ ડૂબે છે? વાંચો એક જ ક્લિકમાં