નવસારી જિલ્લાના ચિખલી તાલુકામાં આવેલા સારવણી ગામે અચાનક પહોંચેલી એક ખાનગી એજન્સીની કામગીરી સામે સ્થાનિકોનો ભારે રોષ જોવા મળ્યો છે. ગ્રામપંચાયતની પૂર્વ પરવાનગી કે કોઈ સત્તાવાર જાણ કર્યા વગર જ એજન્સીના માણસો ગામમાં સર્વેની કામગીરી કરવા પહોંચ્યા હતા. આ અંગે જાણ થતાં જ સ્થાનિક રહીશો જાગૃત બન્યા હતા અને કલેક્ટિવ વિરોધ નોંધાવીને સર્વે કરવા આવેલા કર્મચારીઓને કામગીરી કરતા સ્થળ પર જ રોકી દીધા હતા.
મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટ્યા
સર્વેની કામગીરી અટકાવવા માટે ટૂંક સમયમાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. ગ્રામજનોએ એકસૂરે એજન્સીના માણસો સમક્ષ સવાલ ઉઠાવ્યો હતો કે આ કયા પ્રોજેક્ટ માટે સર્વે કરવામાં આવી રહ્યો છે તેની ચોક્કસ અને સ્પષ્ટ માહિતી પ્રથમ આપવામાં આવે. ગામમાં કોઈપણ સરકારી કે ખાનગી પ્રોજેક્ટ માટે ગ્રામ પંચાયત અને સ્થાનિકોને વિશ્વાસમાં લીધા વિના સર્વે થઈ શકે નહીં તેવી સ્પષ્ટ ચિમકી પણ સ્થાનિકોએ આપી હતી.
