નવસારીમાં સિટી બસમાં વિદ્યાર્થીઓની જીવના જોખમે થતી મૂસાફરીનો એક ગંભીર મામલો સામે આવ્યો છે. બસની અંદર જગ્યા ન મળતા વિદ્યાર્થીઓ સ્કૂલ બેગ સાથે બસના દરવાજે લટકીને મૂસાફરી કરવા મજબૂર બન્યા હતા. આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં નવસારી પાલિકા તંત્ર આખરે જાગ્યું છે અને આ ગભીર સમસ્યાનું નિવારણ લાવવા માટે તાત્કાલિક પગલાં ભર્યા છે.
સિટી બસમાં જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર
તમને જણાવી દઈએ કે, રોજિંદા વિદ્યાર્થીઓને મૂસાફરી કરવા માટે સિટી બસનો સહારો લે છે. વિદ્યાર્થીઓ માટે સિટી બસની આ જોખમી મૂસાફરી એક મોટી સસ્મ્યા બની ગઈ હતી. બસમાં પૂરતી જગ્યા ન હોવાને કારણે વિદ્યાર્થીઓને ભયજનક રીતે મૂસાફરી કરવી પડતી હતી જે તેમના જીવન માટે જોખમી હતી. આ મામલે વાલીઓ અને નાગરિકો દ્વારા અને રજૂઆતો પણ કરવામાં આવી હતી. આખરે, આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નવસારી પાલિકા તંત્રએ બસ સંચાલક એજન્સીને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે સૂચના આપી છે.
તંત્ર દ્વારા બસ સંચાલક એજન્સીને કાર્યવાહી માટે સૂચના
મહત્વનું છે કે, તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ માટે સવારે અને સાંજે બસના બે વધારાના ફેર શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે જેથી વિદ્યાર્થીઓની મૂસાફરી સુરક્ષિત બને. આ ઉપરાંત, પાલિકા તંત્રએ દાવો કર્યો છે કે, શહેરમાં સિટી બસની સુવિધા વધારવા માટે નવી 20 બસોનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ નવી બસો આવવાથી મુસાફરોની સંખ્યાને પહોંચી વળવામાં મદદ મળશે અને ભવિષ્યમાં આવી જોખમી મૂસાફરીને અટકાવી શકાશે. હાલમાં, વિદ્યાર્થીઓ માટે વધારાના ફેર શરૂ થવાથી તેમને થોડી રાહત મળશે તેવી અપેક્ષા છે પરંતુ લાંબા ગાળા માટે નવી બસોનું સંચાલન સમયસર શરૂ થાય તે જરૂરી છે.