સુરતની વિવાદિત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ સામે કાયદાનો સકંજો વધુ મજબૂત થયો છે.બદનક્ષી અને ખંડણીના ગંભીર કેસમાં લાજપોર જેલમાં બંધ કીર્તિ પટેલની પુણા પોલીસે ટ્રાન્સફર વોરંટ આધારે પાંચ દિવસમાં બીજી વખત ગેરકાયદેસર કબ્જો જમાવવાના ગુના હેઠળ ધરપકડ કરી છે.વિવાદોથી ઘેરાયેલી ઇન્ફ્લુએન્સર સામે એક પછી એક નવા ગુના દાખલ થતાં તેની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે.

પુણા પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ 

કીર્તિ પટેલે વર્ષ 2019થી જૂઠું બોલીને અને ખોટા આશ્વાસનો આપીને એક મકાન ભાડે રાખ્યું હતું.ભાડાકરાર કર્યા વગર જ રહેવા ગયેલી કીર્તિ પટેલે ત્યારબાદ મકાન પર ગેરકાયદેસર કબજો જમાવી દીધો હતો.કોરોના કાળના નિયમોનો દુરુપયોગ કરીને તેણે ભાડું ચૂકવ્યા વિના જ મકાન ખાલી કરવાનો સાફ ઇનકાર કરી દીધો હતો અને મકાનમાલિકને ધમકીઓ આપી હતી.આખરે કંટાળેલા મકાનમાલિકે પુણા પોલીસ સ્ટેશનમાં ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ 

પુણા પોલીસે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી શકાય તે માટે કીર્તિ પટેલની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ તપાસમાં કીર્તિ પટેલ સામે ભૂતકાળમાં પણ ધમકી,ખંડણી અને છેતરપિંડી જેવા અનેક ગુના નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે.પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર,આગામી દિવસોમાં તેની સામે નોંધાયેલા અન્ય વિવાદિત કેસોમાં પણ તેની ધરપકડ થાય તેવી પૂર્ણ શક્યતાઓ સેવાઈ રહી છે.

આ પણ વાંચોઃ Gandhinagar News: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી: DGP જી.એસ. મલિક