પાલનપુરમાં RTO સર્કલ પાસે નવા બનેલા એલિવેટેડ બ્રિજ પર ગાબડું પડતા ફરી એકવાર વિવાદ સર્જાયો છે. આ બ્રિજના જોઈન્ટ્સમાં એક મસમોટું ગાબડું પડતા તાત્કાલિક ધોરણે વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. આ ઘટનાએ બ્રિજની ગુણવત્તા અને તેના બાંધકામ પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. થોડા સમય પહેલાં જ આ બ્રિજનું બાંધકામ પૂર્ણ થયું હતું, પરંતુ તેનું ઉદ્ઘાટન થાય તે પહેલાં જ આ પ્રકારની ઘટના બનવી એ ચિંતાજનક છે. બ્રિજ પર ગાબડું પડતા વાહનચાલકોમાં ભયનો માહોલ ફેલાયો છે અને તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
કોન્ટ્રાક્ટરની હલકી ગુણવત્તાનું કામ આવ્યું સામે
આ એલિવેટેડ બ્રિજના નિર્માણ સમયે પણ અનેક વિવાદો થયા હતા. બ્રિજનું કામ ચાલી રહ્યું હતું ત્યારે જ એક ગર્ડર પડી ગયો હતો, જેમાં બે મજૂરોના કરુણ મોત થયા હતા. તે સમયે પણ કોન્ટ્રાક્ટરની હલકી ગુણવત્તાના કામ અંગે અનેક આક્ષેપો થયા હતા, પરંતુ તંત્ર દ્વારા કોઈ ખાસ કાર્યવાહી કરવામાં આવી નહોતી. હવે ફરી એકવાર બ્રિજના જોઈન્ટમાં ગાબડું પડતા કોન્ટ્રાક્ટરની બેદરકારી અને નબળી ગુણવત્તાનું કામ સ્પષ્ટપણે સામે આવ્યું છે. કોન્ટ્રાક્ટરે હાલ તાત્કાલિક ધોરણે ગાબડાને રીપેર કરવાનું કામ શરૂ કર્યું છે, પરંતુ આ પ્રકારના કામથી લાંબા ગાળે બ્રિજની સલામતી પર સવાલો ઉભા થઈ રહ્યા છે.













