બનાસકાંઠા જિલ્લાના પાલનપુર પાસે સ્થિત ખેમાણા ટોલ પ્લાઝા પર સ્થાનિકોએ ટેક્સ માફીની માગ કરી છે. આ ટોલ પ્લાઝા પર સ્થાનિકો પાસેથી ટેક્સ લેવાનો શરૂ કરવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે. આ ઉપરાંત સર્વિસ રોડ સહિતની સુવિધાઓના અભાવને કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે આગામી 18 ઓગસ્ટે સ્થાનિકો અને ખેડૂતો દ્વારા ખેમાણા ટોલ પ્લાઝા પર ભારે વિરોધ પ્રદર્શનની તૈયારીઓ કરવામાં આવી છે.
ગામડાના લોકોએ એક પાસ લેવાનો રહેશે
ખેમાણા ટોલ ટેક્સમાં માફી આપવાની સ્થાનિકોની માગ મુદ્દે પ્રોજેક્ટ મેનેજર શૈલેન્દ્ર સિંહ રાજપૂતે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટમા પાંચ કિ.મી સુધી આવતા ગામડાના લોકોએ એક પાસ લેવાનો રહેશે. ટોલ માફીની કોઈ જોગવાઈ નથી. માસિક 100 રૂપિયા ચાર્જ ચૂકવવાનો રહેશે. તેમણે કહ્યું હતું કે, માસિક 350 રૂપિયાનો પાસ મેનેજમેન્ટને કહી 100 રૂપિયાની કિંમતનો કરાવાયો છે.
લાંબા સમયથી ટેક્સની ઉઘરાણીનો સામનો કરી રહ્યાં છે
ઉલ્લેખનીય છે કે, ખેમાણા ટોલ ટેક્સ મુદ્દે આસપાસના ગામડાઓના લોકો લાંબા સમયથી ટેક્સની ઉઘરાણીનો સામનો કરી રહ્યાં છે. લોકોએ એવો આક્ષેપ કર્યો છે કે, ટોલ પ્લાઝાથી 20 કિ.મીના અંતરમાં રહેતા લોકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવી જોઈએ. લોકોએ એવું પણ કહ્યું હતું કે, આ ટોલ પ્લાઝાના સંચાલકો એક કિ.મીના અંતરમાં રહેતા લોકો પાસેથી પણ ટોલ ટેક્સ વસૂલે છે.