ગુજરાતમાંથી નશાના કારોબારને નેસ્તનાબૂદ કરવા માટે સુરક્ષા એજન્સીઓ અને ન્યાયતંત્ર કડક વલણ અપનાવી રહ્યું છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાની પાલનપુર સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે એક અત્યંત મહત્વનો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. વર્ષ 2010ના એક ચકચારી ચરસ સ્મગલિંગ કેસમાં કોર્ટે મુખ્ય આરોપી સમિર અહેમદ શેખ નાગોરીને તકસીરવાન ઠેરવીને 20વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે જ અદાલતે ડ્રગ્સના દૂષણ સામે કડક સંદેશ આપતા આરોપીને રૂપિયા બે લાખનો ભારે દંડ પણ ફટકાર્યો છે.
16.57 કિલો ચરસ સાથે ATS એ ઝડપ્યો હતો
બનાવની વિગત એવી છે કે, વર્ષ 2010માં ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા એક ગુપ્ત ઓપરેશન હાથ ધરીને એક શંકાસ્પદ વાહનની તલાશી લેવામાં આવી હતી. આ વાહનમાંથી વન વિભાગ અને સુરક્ષા એજન્સીઓને ચોંકાવનારો 16.575 કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તાનો ચરસનો જથ્થો મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા આ ચરસના જથ્થાની બજાર કિંમત રૂપિયા 1 કરોડથી વધુ થવા જતી હતી. આ મામલે એટીએસ દ્વારા ગુનો નોંધી આરોપી સમિર અહેમદ શેખ નાગોરીની ધરપકડ કરવામાં આવી હતી અને પાલનપુરની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો હતો.
દંડ ન ભરે તો વધુ કેદ અને અન્ય આરોપીઓ સામે ટ્રાયલ ચાલુ
પાલનપુર કોર્ટે તમામ પુરાવા અને દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી સમિર અહેમદ શેખ નાગોરીને દોષિત જાહેર કર્યો છે. કોર્ટે ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે જો આરોપી ફટકારવામાં આવેલો 2 લાખનો દંડ નહીં ભરે, તો તેણે વધારાની 1 વર્ષની જેલની સજા ભોગવવી પડશે. આ કેસમાં સંડોવાયેલા અન્ય સહ-આરોપીઓ સામે પણ હજુ કાયદેસરની ટ્રાયલ અને કાનૂની કાર્યવાહી ચાલુ છે.
યુવાધન માટે ડ્રગ્સ મોટો ખતરો: કોર્ટની ગંભીર નોંધ
ચુકાદો આપતી વખતે સ્પેશિયલ કોર્ટે દેશની વર્તમાન સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા એક માર્મિક નોંધ કરી હતી. અદાલતે જણાવ્યું હતું કે, "આજકાલ નશાકારક પદાર્થો અને ડ્રગ્સ દેશના યુવાધન માટે સૌથી ગંભીર ખતરો બની રહ્યા છે. નશાના આ કારોબારને કારણે હજારો પરિવારો બરબાદ થઈ રહ્યા છે, જેથી આવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા તત્વો સામે કોઈ પણ પ્રકારની નરમાઈ દાખવી શકાય નહીં અને સમાજમાં દાખલો બેસે તેવી કડક સજા થવી અનિવાર્ય છે."
આ પણ વાંચો : Sandesh Indepth : સુરતમાં સંકોચાતી ખાડી બની 'ડેથ ટ્રેપ', 1 હજાર કરોડની જાહેરાતો માત્ર કાગળ પર, 9.23 લાખ નાગરિકો આજે પણ જોખમમાં