પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે એક અત્યંત દુઃખદ ઘટના બની છે. મંદિરના બાંધકામ માટે સામાન ઉપર ચઢાવવા માટે ઉપયોગમાં લેવાતો ગુડ્સ રોપવે તૂટી પડતા 6 લોકોના કરુણ મોત થયા છે. આ દુર્ઘટનામાં બે લિફ્ટ ઓપરેટર, બે શ્રમિકો અને બે સામાન્ય નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પંચમહાલના પોલીસ અધિક્ષક (SP) એ સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં 6 લોકોના મોતની પુષ્ટિ કરી છે અને સમગ્ર ઘટનાને લઈ તપાસના આદેશ આપ્યા છે. આ દુર્ઘટનાએ સમગ્ર પંથકમાં શોકનું મોજું ફેલાવી દીધું છે.
મૃતકોની યાદી અને ઓળખ
દુર્ઘટનામાં જીવ ગુમાવનાર છ લોકોમાં વિવિધ રાજ્યોના નાગરિકોનો સમાવેશ થાય છે. રાજસ્થાનના રહેવાસી અન્નાજી ઉર્ફે ભૈરવલાલ રતિલાલ જાટ, જમ્મુ-કાશ્મીરના બે રોપવે ઓપરેટર મહમદ અનવર મહમદ શરીફખાન અને બળવંતસિંહ ધનીરામ. આ ઉપરાંત, સ્થાનિક રહેવાસીઓ પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યા છે જેમાં બોડેલીના મોતીપુરા ગામના મંદિર સિક્યુરિટી દિલીપસિંહ નવલસિંહ કોળી, જૂની બોડેલીના અન્નક્ષેત્રના સેવક હિતેષભાઈ હસમુખભાઈ બારીઆ અને સુરેશભાઈ રાયજીભાઈ માળી નો સમાવેશ થાય છે.













