ગુજરાતના સહકારી ક્ષેત્રમાંથી પશુપાલકો માટે રાહતના અને ઉત્સાહવર્ધક સમાચાર સામે આવ્યા છે. પંચામૃત ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે પૂરા 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લાના લાખો દૂધ ઉત્પાદક પશુપાલકોને મોટો આર્થિક ફાયદો થશે. મહેનત કરતા પશુપાલકોને તેમના દૂધના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુસર ડેરી તંત્ર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે, જેનાથી ગ્રામીણ અર્થતંત્રને નવસંજીવની મળશે.
આગામી 21 તારીખથી મળશે લાભ
પ્રાપ્ત વિગતો અનુસાર, પંચામૃત ડેરી દ્વારા અગાઉ દૂધનો ભાવ પ્રતિ કિલો ફેટે 885 રૂપિયા આપવામાં આવતો હતો, જેને હવે વધારીને 905 રૂપિયા પ્રતિ કિલો ફેટ કરી દેવામાં આવ્યો છે. આ નવો ભાવ વધારો થવાથી પશુપાલકોની માસિક આવકમાં સારો એવો વધારો થશે. ડેરી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે પશુપાલકોના હિતમાં લેવાયેલો આ ભાવ વધારાનો સત્તાવાર લાભ આગામી 21 તારીખથી પશુપાલકોને મળતો થઈ જશે, જેને લઈને મહીસાગર, દાહોદ અને પંચમહાલ પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.
