યાત્રાધામ પાવાગઢ ખાતે તહેવારોની સિઝનમાં મોટી સંખ્યામાં લોકોની અવર જવર રહેતી હોય છે. પાવાગઢથી માંચી સુધીનો રસ્તો ખુબ જ વાંકો ચુકો,ચઢાણવાળો તથા સાંકડો હોવાથી કોઈ પણ અકસ્માત કે જાનહાનિ ના સર્જાય તે માટે કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિકના નિયમન હેતુથી પાવાગઢ ખાતે તળેટીથી માંચી સુધીના રૂટ ઉપર ભારે તેમજ ખાનગી વાહનોની અવરજવર પર આગામી બે મહિના સુધી રવિવારના દિવસે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
અધિક જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પડાયું
પાવાગઢ ખાતે તહેવારો અને શનિવાર- રવિવારની રજાઓમાં પ્રવાસીઓની ભીડ વધતાં ટ્રાફિકને લઈને અધિક જિલ્લા કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.જેમાં આગામી બે મહિના સુધી રવિવારના દિવસે ભારે તથા ખાનગી વાહનો માટે માંચી સુધી પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. પાવાગઢ તળેટીથી સરકારી બસો, એસટી બસો, સરકારી વાહનો અને પરમીશન ધરાવતા વાહનોને જ મંજૂરી આપવામાં આવશે.આ સિવાયના ખાનગી વાહનો માટે આગામી બે મહિના સુધી આવતા રવિવારના દિવસે પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. તહેવારોની સિઝનમાં પ્રવાસીઓની ભીડ વધતાં કોઈ દુર્ઘટના ના સર્જાય તે માટે આગમચેતીના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
