મહેસાણાની દૂધ સાગર ડેરીના ચેરમેનના વિરોધમાં અનેક મુદ્દાઓને લઈ પાટણ જિલ્લાના પશુપાલકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. પાટણના ખાડિયા મેદાનમાં પશુપાલકોનું સંમેલન યોજાયું હતુ. આ સંમેલનની મંજૂરી માંગવા સામે લક્ષ્મીપુરા દૂધ મંડલીના મંત્રી નારણજી ઠાકોર દ્વારા વાંધા અરજી કરાઈ હતી. જેથી પાટણ મામલતદારે પશુપાલકોની રેલી અને સંમેલનની મંજૂરી રદ કરી હતી. તેમ છતાં પશુપાલકોએ સંમેલન યોજ્યું હતું.


પાટણમાં પશુપાલક સંમેલનને લઇને કાર્યવાહી

પાટણમાં યોજાયેલા પશુપાલકોના સંમેલનને લઈને કાર્યવાહી કરવામાં આવી છે. પરવાનગી વિના સંમેલન યોજતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. નિયમ ભંગ બદલ 6 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાવાઈ છે. પશુપાલકો દ્વારા પાટણના ખાડિયા મેદાનમાં મહેસાણા દૂધ સાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી અને નિયામક મંડળ સામે ઉશ્કેરણીજનક સુત્રોચ્ચાર અને ભાષણો કર્યા હોવાનો ગુનો નોંધાયો હતો.

નિયમ ભંગ બદલ 6 સામે નામજોગ ફરિયાદ નોંધાવી

મંજૂરી વિના સંમેલન યોજવા અંગે ભરત ચૌધરી, રમેશ ચૌધરી, રમેશ પટેલ, કાનજી દેસાઈ, શિવરાજ દેસાઈ, દાદુજી ઠાકોર સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. ગેરકાયદે મંડળી રચીને મોટી સંખ્યામાં લોકોને ભેગા કરવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. પાટણમાં યોજાયેલા આ સંમેલન સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગઈકાલે પાટણના ખાડિયા મેદાનમાં સંમેલન યોજાયું હતું.


  • Follow us on: