અમદાવાદમાં કથિત બોગસ રાજકીય ડોનેશનને લઈને 2 અલગ-અલગ કેસમાં ફરિયાદ નોંધાતા ખળભળાટ મચ્યો છે. પ્રથમ કેસમાં સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી સહિત 4 સામે ફરિયાદ નોંધાઈ છે, જ્યારે બીજા કેસમાં ગરીબ કલ્યાણ પાર્ટી સહિત 9 સામે ફરિયાદ કરવામાં આવી છે. બંને કેસમાં આવકવેરા વિભાગની તપાસ બાદ અમદાવાદ CID ક્રાઈમે તપાસ હાથ ધરી છે.
519 કરોડના કથિત ડોનેશન કેસમાં 4 સામે ફરિયાદ
પ્રથમ કેસમાં સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી, ટેક્સ કન્સલ્ટન્ટ મેહુલકુમાર મહેશકુમાર ખત્રી, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેન્દ્ર પરસોતમપ્રકાશ તિવારી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયુરસિંહ ચંદનસિંહ રાઠોડ સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ આવકવેરા વિભાગની તપાસમાં પાર્ટીના બેંક ખાતામાં ₹519 કરોડના વ્યવહારો સામે આવ્યા હતા.
ડોનેશન બાદ અન્ય પેઢીઓમાં રકમ ટ્રાન્સફરનો આરોપ
ફરિયાદમાં જણાવ્યા મુજબ કરદાતાઓ પાસેથી રાજકીય ડોનેશન મેળવ્યા બાદ રકમ અન્ય પેઢીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. ત્યારબાદ કમિશન કાપીને બાકીની રકમ રોકડમાં પરત કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રક્રિયામાં બોગસ બિલો અને ખોટા દસ્તાવેજો તૈયાર કરાયા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
Form 24A અને 155 કરોડના નુકસાનનો દાવો
ચૂંટણી પંચ સમક્ષ ખોટો કન્ટ્રીબ્યુશન રિપોર્ટ એટલે કે Form 24A રજૂ કરાયો હોવાનો આક્ષેપ છે. ફરિયાદમાં આ કથિત વ્યવહારોને કારણે સરકારી તિજોરીને આશરે 155 કરોડનું નુકસાન થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
હવે બીજા અલગ કેસમાં 9 સામે ફરિયાદ
આથી અલગ બીજા કેસમાં ગરીબ કલ્યાણ પાર્ટી સાથે જોડાયેલા 9 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. તેમાં પાર્ટી, પ્રમુખ નીરજ કુમાર ક્ષત્રિય, સેક્રેટરી ધનંજય સિંહ રાજપૂત, ખજાનચી ધીરજ કુમાર ક્ષત્રિય, અભિષેક ચંદ્રપ્રકાશ તિવારી, પ્રદીપ સિંહ પરિહાર, CA કુલદીપદાન પર્વતસિંહ ટાપરિયા, CA અશોક કુમાર રાધેશ્યામ શાહ અને CA પંકજ અગ્રવાલના નામનો સમાવેશ થાય છે.
206.76 કરોડના ડોનેશનનો મામલો
બીજા કેસની ફરિયાદ મુજબ 2022-23થી 2025-26 દરમિયાન ગરીબ કલ્યાણ પાર્ટીના ખાતામાં 206.76 કરોડના ડોનેશન દર્શાવવામાં આવ્યા હતા. આ ડોનેશન સાથે 80GGC હેઠળ 134.48 કરોડની ટેક્સ કપાત સંબંધિત વિગતો પણ ફરિયાદમાં રજૂ કરવામાં આવી છે.
62.02 કરોડના નુકસાનનો દાવો
આ કેસમાં ડોનેશન અને ટેક્સ કપાત સાથે જોડાયેલા વ્યવહારોને કારણે સરકારી તિજોરીને 62.02 કરોડનું નુકસાન થયું હોવાનો ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે. સાથે જ ડોનેશન બાદ વિવિધ પેઢીઓના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરી કથિત કેશબેક અને કમિશનના વ્યવહારો થયાનો પણ આક્ષેપ છે.
1,295.76 કરોડના ટ્રાન્ઝેક્શનની પણ તપાસ
ફરિયાદમાં ક્રિષ્ના એન્ટરપ્રાઇઝિસ અને જલારામ એન્ટરપ્રાઇઝિસના ખાતામાં 1,295.76 કરોડના ક્રેડિટ ટ્રાન્ઝેક્શનની વિગતો દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત CA દ્વારા તૈયાર કરવામાં આવેલા ઓડિટ રિપોર્ટ, બેલેન્સશીટ અને Form 3CD અંગેની વિગતો પણ તપાસના દાયરામાં છે.
બંને કેસમાં CID ક્રાઈમની તપાસ શરુ
પ્રથમ કેસમાં આવકવેરા વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટ મુક્તેંદ્ર શતીશ કુમાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું જણાવાયું છે, જ્યારે બીજા કેસમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટ યતીશ શશીકાંત કાલે દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે અમદાવાદ CID ક્રાઈમ દ્વારા સંબંધિત દસ્તાવેજો, બેંક વ્યવહારો તથા નાણાકીય લેવડદેવડની અલગ-અલગ તપાસ કરવામાં આવી રહી છે. ફરિયાદોમાં કરવામાં આવેલા આક્ષેપોની તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો સામે આવી શકે છે.
આ પણ વાંચો : Sandesh Digital Explainer : સ્કૂલ બેગ નહીં તો કોણ? બાળકોની પીઠના દુખાવાનું રહસ્ય તમને ચોંકાવશે!