ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027ને હજુ સમય બાકી છે, પરંતુ રાજ્યનું રાજકીય તાપમાન અત્યારથી જ ચરમસીમાએ પહોંચી ગયું છે. સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) એ જ્યાં એક તરફ 182માંથી 182 બેઠકો જીતવાનો અત્યંત મહત્વાકાંક્ષી ટાર્ગેટ રાખીને અત્યારથી જ ગ્રાઉન્ડ વર્ક શરૂ કરી દીધું છે, તો બીજી તરફ મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે પણ 'વોટ રક્ષક' અભિયાનના માધ્યમથી ભાજપની રણનીતિ સામે મજબૂત મોર્ચો ખોલ્યો છે. બંને પક્ષોની આ રસાકસી વચ્ચે ગુજરાતનું રાજકારણ અત્યારથી જ રોમાંચક અને ગરમાગરમ બની ગયું છે.
ભાજપની ખાસ પેટર્ન: 156ની જીત બાદ હવે 182/182નું લક્ષ્ય
વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 150+ નો ટાર્ગેટ રાખીને 156 બેઠકો સાથે ઐતિહાસિક વિજય મેળવ્યો હતો અને હાલ વિધાનસભામાં તેના 162 ધારાસભ્યો છે. ચૂંટણીના ઉમેદવારો જાહેર થાય તે પહેલા જ મધ્યસ્થ કાર્યાલયો શરૂ કરવાની પોતાની જૂની અને સફળ પેટર્ન પર કામ કરતા ભાજપે 2027 માટે પણ એક વર્ષ અગાઉથી જ તૈયારીઓ આરંભી દીધી છે.
પાર્ટી દ્વારા પેજ સમિતિ અને પેજ પ્રમુખની મજબૂત સિસ્ટમના જોરે દરેક વિધાનસભા ક્ષેત્રમાં 50 હજારની લીડ મેળવવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. જમીની સ્તર પર પકડ મજબૂત કરવા માટે દર 3-3 વિધાનસભા દીઠ એક સિનિયર પ્રભારીને મેદાનમાં ઉતારવામાં આવશે.
આ સાથે જ કેન્દ્રની મોદી સરકાર અને રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારના વિકાસ કાર્યોના રિપોર્ટ કાર્ડ સાથે જનતા વચ્ચે પ્રચાર કરવામાં આવશે. ભાજપના સહ પ્રવક્તા ઘનશ્યામ ગઢવીએ કોંગ્રેસના અભિયાન પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસની નીતિઓ ફક્ત કાગળ પર જ બને છે અને ધરાતલ પર કામ કરવા માટે કોઈ કાર્યકર્તા જ નથી.

કોંગ્રેસનો વળતો પ્રહાર: 'વોટ રક્ષક' અભિયાનથી બુથ મજબૂત કરવાની રણનીતિ
ભાજપની ગ્રાઉન્ડ સ્ટ્રેટેજીનો જડબાતોડ જવાબ આપવા માટે કોંગ્રેસે 'વોટ રક્ષક' અભિયાન શરુ કર્યું છે. કોંગ્રેસનો મુખ્ય આક્ષેપ છે કે, ભાજપ વોટર લિસ્ટમાં ગોટાળા કરીને ચૂંટણી જીતે છે. આ ગેરરીતિઓને રોકવા માટે કોંગ્રેસે ગામે-ગામે અને બુથ સ્તરે 'વોટ રક્ષક' બનાવવાની ઝુંબેશ છેડી છે.
આ અભિયાન અંતર્ગત આયોજનો
- દરેક બુથ પર એક સમર્પિત 'વોટ રક્ષક'ની નિમણૂક કરવામાં આવશે.
- વોટર લિસ્ટમાંથી ડુપ્લિકેટ, બોગસ અને મૃત મતદારોના નામ શોધીને ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરવામાં આવશે.
- નવા મતદારોને કોંગ્રેસ સાથે જોડવા માટે ઘરે-ઘરે જઈને ઝુંબેશ ચલાવવામાં આવશે.
- EVM અને મતગણતરીની પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા માટે કાર્યકર્તાઓને વિશેષ ટ્રેનિંગ અપાશે.
- વર્ષ 2024માં ગુજરાતમાં ભાજપને મળેલી 50 ટકાથી વધુ મતની સરસાઈને રોકવા માટે બુથ સ્તરે મજબૂતી લાવવાનો પ્લાન છે.
કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ સિંહ કઠવાડિયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જ્યાં ભાજપ પેજ સમિતિના માધ્યમથી મત મેળવવાનો પ્રયાસ કરે છે, ત્યાં કોંગ્રેસ 'વોટ રક્ષક'ના માધ્યમથી પોતાના મતોની સંપૂર્ણ રક્ષા કરશે.

રાજકીય વિશ્લેષકોનું શું માનવું છે?
આ સમગ્ર રાજકીય રસાકસી અંગે વાત કરતા રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવીનું વિશ્લેષણ છે કે, કોંગ્રેસે માત્ર 'વોટ રક્ષક' બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે જો પોતાના સાચા મતદારોને ઘરની બહાર કાઢીને મતદાન મથક (બુથ) સુધી લઈ જવાની સઘન રણનીતિ અપનાવવી જોઈએ, તો જ કોંગ્રેસને ચૂંટણીમાં વાસ્તવિક ફાયદો થઈ શકે તેમ છે.

શું 2017 જેવો માહોલ જામશે કે 2022નું પુનરાવર્તન થશે?
આમ, વર્ષ 2027ની ચૂંટણીના પરિણામો ભલે દૂર હોય, પરંતુ રાજકીય પક્ષોના રણસંગ્રામથી માહોલ અત્યારથી જ ગરમાયો છે. એક તરફ અમિત શાહની પેજ પ્રમુખ અને સંગઠનની અજેય રણનીતિ તથા ભાજપનો 182/182 નો મહત્વાકાંક્ષી ટાર્ગેટ છે, તો બીજી તરફ કોંગ્રેસનું 'વોટ રક્ષક' અભિયાન અને મત ચોરીના ગંભીર આક્ષેપો છે.
હવે એ હવે જોવાનું એ રહ્યું કે, 2022માં 156 બેઠકો જીતનારી ભાજપ પોતાનો જ રેકોર્ડ તોડે છે કે પછી કોંગ્રેસનું 'વોટ રક્ષક' અભિયાન તેમને રોકવામાં સફળ થાય છે. પરિણામો જ નક્કી કરશે કે આ ચૂંટણી 2017 જેવી રસાકસી ભરેલી રહેશે કે પછી ૨૦૨૨ની જેમ ભાજપની એકતરફી સત્તા ફરી સ્થપાય છે.
આ પણ વાંચો: Ahmedabad News: સરખેજમાં નશાના સોદાગરો પર 'દાદાનું બુલડોઝર', તંત્રની કાર્યવાહીનો Video