મહિલા સશક્તિકરણ અને મહિલા અનામતની વાતો વચ્ચે રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં એક અલગ જ દૃશ્ય સામે આવ્યું હોવાનો મામલો ચર્ચામાં આવ્યો છે. વોર્ડ નંબર 12નાં મહિલા કોર્પોરેટર જયશ્રીબા જાડેજાના પતિ દશરથસિંહ જાડેજા જનરલ બોર્ડ દરમિયાન ફોન પર માહિતી આપતા અને ટીપીના પ્રશ્ન અંગે પૂછપરછ કરતા જોવા મળ્યા હોવાનો આક્ષેપ છે. આ દરમિયાન તેઓ મહિલા કોર્પોરેટરને સૂચનાઓ આપતા હોવાનું પણ સામે આવ્યું છે.
જનરલ બોર્ડમાં પતિનું માર્ગદર્શન?
મળેલી વિગતો મુજબ, રાજકોટ મનપાના જનરલ બોર્ડની બેઠક દરમિયાન વોર્ડ નંબર 12નાં કોર્પોરેટર જયશ્રીબા જાડેજા હાજર હતાં. તે સમયે તેમના પતિ દશરથસિંહ જાડેજા ફોન પર માહિતી આપતા હોવાનું અને ટીપીના પ્રશ્ન અંગે પૂછતા હોવાનું જણાવાયું છે. આ દરમિયાન મહિલા કોર્પોરેટરને સૂચનાઓ આપવામાં આવતી હોવાની બાબત ચર્ચાનો વિષય બની છે.
પતિને સવાલ કરતા કર્યો બચાવ
આ સમગ્ર મામલે મહિલા કોર્પોરેટરના પતિને સવાલ કરવામાં આવતાં તેમણે બચાવમાં જણાવ્યું હતું કે મહિલા કોર્પોરેટર પ્રથમ વખત ચૂંટાઈને આવ્યાં હોવાથી તેમની પાસે પૂરતી માહિતી નથી. આ કારણસર તેઓ તેમને માર્ગદર્શન આપી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
મીડિયા ગેલેરીમાં બેસીને આપતા હતા સૂચનાઓ
આક્ષેપ મુજબ, મહિલા કોર્પોરેટરના પતિ મીડિયા ગેલેરીમાં બેસીને ફોન મારફતે તેમને માહિતી અને સૂચનાઓ આપી રહ્યા હતા. જનરલ બોર્ડ જેવી મહત્વપૂર્ણ બેઠક દરમિયાન કોર્પોરેટરના સ્થાને અન્ય વ્યક્તિ દ્વારા માર્ગદર્શન આપવામાં આવતું હોવાની બાબત ચર્ચામાં આવી છે.
મહિલા સશક્તિકરણ સામે સવાલ?
એક તરફ મહિલા અનામત અને મહિલા સશક્તિકરણની વાતો કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિઓની કામગીરીમાં તેમના પતિની ભૂમિકા કેટલી હોવી જોઈએ તેવો સવાલ ઊભો થયો છે. શું મહિલા કોર્પોરેટર પોતે નિર્ણય લઈ રહ્યાં છે કે તેમના પતિ જ સમગ્ર કામગીરીનું સંચાલન કરી રહ્યા છે? રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં સામે આવેલી આ ઘટનાએ આ ચર્ચાને ફરી વેગ આપ્યો છે.
આ પણ વાંચો : Cyclone Akvan Live : ભીષણ વાવાઝોડા અકવાનનું લેન્ડફોલ શરૂ, આગામી 3 કલાક સુધી ચાલશે ભારે તોફાન