વડનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળના નેતા સુવેન્દુ અધિકારીએ પોતાના સંબોધનની શરૂઆત ‘ભારત માતા કી જય’ના નારા સાથે કરી હતી. ત્યારબાદ તેમણે ‘નરેન્દ્ર મોદી જિંદાબાદ’ના નારા પણ લગાવ્યા હતા. સુવેન્દુ અધિકારીએ કહ્યું કે તેમના રાજકીય જીવનમાં વડનગરની આ ધરતી પર આવવાનો તેમને મોકો મળ્યો છે અને તેઓ વડનગરની પવિત્ર ધરતીને વંદન કરે છે.

વડનગરની ધરતી પરથી PM Modiના વખાણ

સુવેન્દુ અધિકારીએ કહ્યું કે વડનગરની ધરતી ઐતિહાસિક છે અને અહીંથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનસેવાની યાત્રા શરૂ થઈ છે. તેમણે કહ્યું કે આજે દેશના પ્રધાનસેવક નરેન્દ્ર મોદી છે અને તેમણે ભારતને વિકસિત બનાવવાનો સંકલ્પ લીધો છે. દેશની જનતાએ પણ એકસાથે વડાપ્રધાનના સંકલ્પને વધાવી લીધો છે અને આ સંકલ્પમાં જોડાઈ છે. નરેન્દ્ર મોદીએ દેશની જનતાને રાષ્ટ્રને સર્વોપરી રાખવાનો સંદેશ આપ્યો છે અને દેશની સુરક્ષાને લઈને પણ મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.

‘આતંકવાદીઓને તેમના દેશમાં ઘૂસીને મારવાનું કામ મોદીએ કર્યું’

સુવેન્દુ અધિકારીએ આતંકવાદના મુદ્દે નરેન્દ્ર મોદી સરકારની કામગીરીનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે આતંકવાદીઓને તેમના જ દેશમાં ઘૂસીને મારવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે. તેમના મતે દેશની સુરક્ષા અંગે વડાપ્રધાનના નેતૃત્વમાં જનતાને હકીકત બતાવવામાં આવી છે. તેમણે કહ્યું કે લાંબા સમય સુધી દેશમાં સરકારો રહી, પરંતુ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની સુરક્ષા અને વિકાસને લઈને અલગ પ્રકારનું કામ થયું છે.

મમતા બેનરજી પર સુવેન્દુનો પ્રહાર

પશ્ચિમ બંગાળની રાજનીતિ અંગે બોલતા સુવેન્દુ અધિકારીએ તૃણમૂલ કોંગ્રેસ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસનું હવે નામ પણ પૂરું થઈ ગયું છે. સુવેન્દુ અધિકારીએ આરોપ લગાવ્યો કે મમતા બેનર્જીના કારણે ઘૂસણખોરો પશ્ચિમ બંગાળમાં આવ્યા હતા. તેમણે કહ્યું કે બંગાળની સુરક્ષા અને વ્યવસ્થાને લઈને લોકોને હકીકત બતાવવાનું કામ કરવામાં આવ્યું છે.

‘PM Modiએ બંગાળના વિકાસની ગેરંટી આપી’

સુવેન્દુ અધિકારીએ કહ્યું કે નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના વિકાસની ગેરંટી આપી છે અને બંગાળની જનતાએ આ ગેરંટીનો સ્વીકાર કર્યો છે. તેમણે દાવો કર્યો કે લાંબા સમય બાદ બંગાળની જનતાએ પોતાનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે હવે ગેરંટી પર કામ શરૂ થઈ ગયું છે. હવાઈ યોજનાઓથી લઈને મેડિકલ યોજનાઓ સુધીના વિવિધ વિકાસકાર્યો આગળ વધારવામાં આવી રહ્યા છે. તેમણે બંગાળમાં દુર્ગા પૂજા માટે કોર્ટમાં જવું પડતું હોવાનો પણ ઉલ્લેખ કર્યો અને આરોપ લગાવ્યો કે અગાઉ બંગાળને બરબાદ કરવાનું કામ થયું હતું.

‘મોદીએ બંગાળને બચાવ્યું’

સુવેન્દુ અધિકારીએ કહ્યું કે જો નરેન્દ્ર મોદીએ બંગાળની સ્થિતિને રોકી ન હોત તો બંગાળને બચાવવું મુશ્કેલ બની જાત. તેમણે ગુજરાતના નરેન્દ્ર મોદીએ દેશ માટે ઘણું કામ કર્યું હોવાનું કહ્યું. તેમણે રાષ્ટ્રવાદી અને સનાતન વિચારધારા ધરાવતા લોકોને બંગાળમાં બચાવવાની વાત કરી અને આગામી ચૂંટણીને લઈને મોટો રાજકીય દાવો કર્યો.

‘આવનારી ચૂંટણીમાં પૂરું બંગાળ PM Modiને ભેટ આપીશું’

સુવેન્દુ અધિકારીએ પોતાના સંબોધન દરમિયાન કહ્યું કે આવનારી ચૂંટણીમાં પૂરું બંગાળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ આપવામાં આવશે. તેમણે બંગાળમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને વિકાસની ગેરંટી પર જનતાનો વિશ્વાસ હોવાનું જણાવ્યું.

ગુજરાતના નેતાઓનો માન્યો આભાર

સુવેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળની ચૂંટણી દરમિયાન મદદ કરવા બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો. સાથે જ તેમણે કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણનો પણ આભાર વ્યક્ત કર્યો. તેમણે જગદીશ વિશ્વકર્મા અને હર્ષ સંઘવીનો પણ આભાર માન્યો. વડનગરની ધરતી નેતા સુભાષચંદ્ર બોઝની ધરતી સાથે જોડાયેલી હોવાનું પણ તેમણે પોતાના સંબોધનમાં કહ્યું.

વડનગરમાં શિવરાજસિંહ ચૌહાણનું સંબોધન

કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ સંબોધન કર્યું. તેમણે કહ્યું કે વડનગરની ધરતી પર મહાપુરુષનો જન્મ થયો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર ભારતને વિકસિત બનાવવાનો સંકલ્પ લીધો છે. શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે નરેન્દ્ર મોદી ‘રાષ્ટ્ર પ્રથમ’ના ભાવ સાથે દેશની સેવા કરી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ એક તરફ વડાપ્રધાન દેશ અને રાષ્ટ્ર પ્રથમની વાત કરે છે, જ્યારે બીજી તરફ કેટલાક લોકો સત્તા બહાર રહીને પોતાની પરેશાની સામે જોઈ શકતા નથી. તેમણે નરેન્દ્ર મોદીને કરોડો ભારતીયોના મુકુટમણિ ગણાવ્યા અને કહ્યું કે તેમને હરાવી શકાય નહીં. તેમણે આક્ષેપ કર્યો કે કેટલાક લોકો લોકતંત્રને કલંકિત કરી રહ્યા છે અને દેશની જનતા તેમને માફ નહીં કરે.

તરુણ ચુઘે યુવાનોને સંકલ્પ સાથે જોડાવા કહ્યું

ભાજપના નેતા તરુણ ચુઘે પણ કાર્યક્રમને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેવાનો સંકલ્પ લીધો છે અને વારાણસીથી વડનગર સુધી યુવાનો સેવા સંકલ્પ સાથે આવ્યા છે. તેમણે વારાણસીથી આવેલા તમામ યાત્રિકોનું વડનગરની ધરતી પર સ્વાગત કર્યું. તરુણ ચુઘે કહ્યું કે વડનગર ઐતિહાસિક ધરતી છે અને વડાપ્રધાનની 25 વર્ષની સેવા યાત્રા સામાન્ય વ્યક્તિથી દેશના વડાપ્રધાન સુધીની યાત્રા છે. તેમણે કચ્છના ભૂકંપ સહિત વિવિધ આપત્તિઓ દરમિયાન નરેન્દ્ર મોદીએ કરેલી સેવાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે વડનગરની આ ધરતી પર વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી થવાનો સંકલ્પ લેવો જોઈએ. તરુણ ચુઘે ખાસ કરીને યુવાનોને પણ આ સંકલ્પ સાથે જોડાવા અપીલ કરી અને વારાણસીથી વડનગર સુધી આવેલા યુવાનોનું ફરી એકવાર સ્વાગત કર્યું.   


આ પણ વાંચો  :   Bengaluru : અભિનેત્રી રાન્યા રાવ સહિત 4 પર 270.8 કરોડનો દંડ, 127 કિલોથી વધુ સોનાની કથિત તસ્કરીનો ખુલાસો