ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. આજે સવારે 9 વાગ્યાથી સૌ પ્રથમ પોસ્ટલ બેલેટ પેપરની ગણતરી શરૂ થઈ હતી. ત્યાર બાદ ઈવીએમની ગણતરી હાથ ધરવામાં આવી હતી. ચૂંટણીના મતદાન પહેલા જ 700થી વધુ બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી. પરંતુ પરિણામ આવવાનું શરૂ થયું ત્યારથી લઈને ભાજપનો ભવ્ય વિજય જોવા મળી રહ્યો છે. ભાજપ તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વિજય તરફ આગળ વધી રહ્યો છે.
9 વાગ્યાથી લઈને શરૂ થયેલા પરિણામ પર એક નજર
આજે સવારે 9 વાગ્યાથી લઈને શરૂ થયેલા પરિણામ પર એક નજર રાખીએ તો બપોરે એક વાગ્યા સુધીમાં મોટા ભાગની બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. ક્યાંક અપસેટ પણ જોવા મળ્યો છે. ભાજપે કોંગ્રેસનો અને કોંગ્રેસે ભાજપનો ગઢ તોડ્યો છે. ક્યાંક આમ આદમી પાર્ટીના સૂપડા સાફ થયાં છે તો ક્યાંક આમ આદમી પાર્ટીએ પણ વીજયનો રથ આગળ ધપાવ્યો છે.
રાજ્યમાં મનપાની સ્થિતિ
રાજ્યમાં 15 મનપાના પરિણામની વાત કરીએ તો બપોરે એક વાગ્યા સુધીમાં 52 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં અમદાવાદની 192 બેઠકોમાંથી 73 બેઠકોનુ પરિણામ જાહેર થયું છે. જેમાં ભાજપ 64 અને કોંગ્રેસની 9 બેઠકો આવી છે. સુરતમાં 120માંથી 58 બેઠકોનું પરિણામ આવ્યું છે. જેમાં 55 ભાજપ અને ત્રણ બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ છે. વડોદરામાં ભાજપને 22 અને કોંગ્રેસને 03, રાજકોટમાં ભાજપને 48 અને કોંગ્રેસને 8, જામનગરમાં ભાજપને 28, ભાવનગરમાં ભાજપને 34 અને કોંગ્રેસને 2, આણંદ કરમસદમાં ભાજપને 12, ગાંધીધામમાં ભાજપને 25 અને કોંગ્રેસને 4, નડિયાદમાં ભાજપને 27, નવસારીમાં ભાજપને 40, પોરબંદરમાં ભાજપને 41, મહેસાણામાં ભાજપને 16 અને કોંગ્રેસની એક, મોરબીમાં ભાજપને 40, વાપીમાં ભાજપને 37 અને કોંગ્રેસને 11 અને સુરેન્દ્રનગરમાં ભાજપને ત્રણ બેઠકો પ્રાપ્ત થઈ છે.
તાલુકા, જિલ્લા અને પાલિકાની સ્થિતિ
રાજ્યની નગર પાલિકાઓની વાત કરીએ તો ભાજપે મોટાભાગની બેઠકો પર કબજો જમાવ્યો છે. અત્યાર સુધીમાં પાલિકાનું 61 ટકા પરિણામ જાહેર થયું છે. તાલુકા પંચાયતોનું 21 ટકા પરિણામ જાહેર થયું છે અને જિલ્લા પંચાયતોનું 15 ટકા પરિણામ જાહેર થયું છે. મનપાની 1044 બેઠકોમાંથી 538 બેઠકોનું પરિણામ જાહેર થયું છે. જેમાં ભાજપને 492 અને કોંગ્રેસને 41 બેઠકો મળી છે. 2624 નગરપાલિકાની બેઠકોમાંથી 1606 બેઠકોનું પરિણામ જાહેર થયું છે. જેમાં 1300 બેઠકો પર ભાજપ અને 247 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો વિજયી થયાં છે. તાલુકા પંચાયતની 5234 બેઠકોમાંથી 1076 બેઠકોનું પરિણામ જાહેર થયું છે. જેમાં ભાજપના 829 અને કોંગ્રેસના 166 ઉમેદવારો વિજયી બન્યાં છે. જિલ્લા પંચાયતની 1090 બેઠકોમાંથી 161 બેઠકોનું પરિણામ જાહેર થયું છે. જેમાં 136 ભાજપ અને 15 બેઠક કોંગ્રેસને મળી છે.
આ પણ વાંચોઃ Gujarat Local Body Election Results 2026: સુરતમાં ભાજપનો ભગવો લહેરાયો, આપના મનોજ સોરઠિયાની હાર