રવિવારે અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીના મતદાન દરમિયાન શહેરના કુબેરનગર વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે માથાકૂટ થઈ હતી. કુબેરનગરની વી.વી. તોમર સ્કૂલમાં બંને પક્ષના કાર્યકરો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. પોલીસે તાત્કાલિક બંને પક્ષના કાર્યકરોને મતદાન મથક પાસેથી હટાવ્યા હતાં અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આ ઘટનામાં કોંગ્રેસના ઉમેદવાર સહિત 4 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમર સહિત ચાર સામે ભાજપના કાર્યકર્તાએ ફરિયાદ નોંધાવી છે.
વી.વી. તોમર સ્કૂલમાં મારામારી મામલે ફરિયાદ
કુબેરનગર વોર્ડમાં વી.વી. તોમર સ્કૂલમાં બોગસ મતદાનને લઈને કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તા આમને સામને આવી ગયા હતા. બંને પક્ષના કાર્યકરો વચ્ચે મારામારી થતાં મતદાન મથક પાસે પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. પોલીસે આ ઘટનામાં ભાજપના કાર્યકર્તા સુરેશસિંહ યાદવની ફરિયાદ લેવાની કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમર સહિત ચાર લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમરે આક્ષેપ કર્યો હતો કે, મતદાન દરમિયાન ભાજપના ઉમેદવાર સહિતના કાર્યકરો બોગસ વોટિંગ કરાવતા હતાં. આ જાણીને હું ત્યાં પહોંચ્યો ત્યારે તેમણે મારી સાથે બબાલ કરી હતી.













