સ્થાનિક ચૂંટણીમાં ભાજપનો વોટશેર વર્ષ 2021ના સાપેક્ષમાં 2.01 ટકા વધી 54.70 ટકા થયો છે. સામે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના 5588 ઉમેદવારો પોતાના ક્ષેત્રોમાં કુલ મતદાનના એક ચતુર્થાંશ મત પણ મેળવી શક્યા નથી.જેના કારણે રાજ્ય ચૂંટણી આયોગે તેમની ડિપોઝીટ જપ્ત કરવાના આદેશો કર્યા છે. 393 પાલિકા પંચાયતોમાં કુલ 10005 બેઠકો માટે ચૂંટણી જાહેર થઈ હતી.તેમાંથી ત્રણ બેઠકો પર ઉમેદવારી ન થતા અને 3 ઉમેદવારના અવસાનને કારણે રવિવારે 9999 બેઠકો માટે મતદાન યોજાયુ હતુ.
કોંગ્રેસ-આપના 5588 ઉમેદવારો ડિપોઝિટ જપ્ત
મંગળવારે જાહેર થયેલા પરિણામોમાં ભાજપે 7502 બેઠકો પર વિજય મેળવ્યો છે.જ્યારે 9999માંથી 5269 બેઠકો ચૂંટણી લડનારા AAPના ઉમેદવારો પૈકી 68.86 ટકા અર્થાત 3365 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ છે.ચૂંટણીમાં આદિવાસી ક્ષેત્રોમાં કોંગ્રેસના પરંપરાગત મતોમાં AAPના ઉમેદવારોએ 1.66 ટકા મતોનું ગાબડુ પાડયુ છે. એમ છતાંયે કોંગ્રેસના વિજેતા 1703 સહિત 6218 ઉમેદવારની ડિપોઝીટ બચી છે.જે 73.67 ટકા થવા જાય છે.આ ચૂંટણીમાં કોંગ્રેસે 12 બિનહરિફ ઉપરાંત 8441 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા. પાલિકાઓમાં ઉમેદવારે ચૂંટણી લડવા 4000 અને પંચાયતોમાં 3000ની ડિપોઝીટ લેવાય છે.આ ડિપોઝીટ ગુમાવવી એક પ્રકારે સાવ જનાધાર ગુમાવવા જેવી સ્થિતિ તરીકે જોવામાં આવે છે.













