બનાસકાંઠાના દાંતા ખાતે આજે મતગણતરીની પ્રક્રિયા શરૂ થાય તે પૂર્વે જ ભારે હોબાળો જોવા મળ્યો છે. કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકરોએ મતગણતરી કેન્દ્રની વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠાવી હંગામો મચાવતા વાતાવરણ તંગ બની ગયું હતું. આ દરમિયાન કાર્યકરો અને ફરજ પરના પોલીસ જવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા.


ગણતરી પૂર્વે જ અફરાતફરી

મતગણતરી શરૂ થવાની તૈયારીઓ ચાલી રહી હતી તે જ સમયે કોંગ્રેસી ઉમેદવારોએ કેટલીક બાબતોમાં શંકા વ્યક્ત કરી હતી. વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાથી અસંતુષ્ટ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જોતજોતામાં વિરોધ પ્રદર્શને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને કાર્યકરોએ નારેબાજી શરૂ કરી દીધી હતી.

પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ

હોબાળો શાંત પાડવા ગયેલા પોલીસ જવાનો સાથે કાર્યકરોની ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત વણસતા પોલીસ અને કાર્યકરો વચ્ચે ઝપાઝપી અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા, જેને કારણે મતગણતરી કેન્દ્રની બહાર અને અંદર ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. કોંગ્રેસી ઉમેદવારોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા યોગ્ય પારદર્શિતા જાળવવામાં આવી રહી નથી.

વધારાની પોલીસ કુમક તૈનાત

પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ઘટનાસ્થળે વધારાની પોલીસ કુમક ઉતારી દેવામાં આવી છે. સમગ્ર મતગણતરી કેન્દ્રની અંદર અને બહાર સુરક્ષામાં ધરખમ વધારો કરી દેવામાં આવ્યો છે. હાલમાં પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા છે, પરંતુ હજુ પણ કેન્દ્રની બહાર કાર્યકરોની ભીડ અને નારેબાજીને કારણે તણાવ યથાવત છે.

આ પણ વાંચો: Gujarat Local Body Election Results 2026: રાજકોટ, સુરત અને વડોદરામાં મતગણતરી, લોખંડી બંદોબસ્ત વચ્ચે ઉમેદવારોના ભાવિનો ફેંસલો

  • Follow us on: