રાજ્યની ત્રણ મુખ્ય મહાનગરપાલિકાઓ રાજકોટ, વડોદરા અને સુરત તેમજ જિલ્લા-તાલુકા પંચાયતોના ભાવિનો આજે ફેંસલો થવા જઈ રહ્યો છે. સવારે 9 વાગ્યાથી નિર્ધારિત કેન્દ્રો પર મતોની ગણતરી શરૂ થઈ ગઈ છે. સત્તાધારી પક્ષ ભાજપ પોતાનો ગઢ સાચવવા મથશે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી 'નવાજૂની' કરવાના મક્કમ નિર્ધાર સાથે મેદાનમાં છે. બપોર સુધીમાં તમામ શહેરોનું રાજકીય ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
રાજકોટમાં 72 બેઠકો માટે 6 કેન્દ્રો પર જંગ
રાજકોટમાં મનપાની 72 બેઠકો માટે અલગ-અલગ 6 સેન્ટરો પર મતગણતરી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને વોર્ડ નંબર 1, 2, 3, 4, 15 અને 16 ના પરિણામો પર સૌની નજર છે.
પોલિટેકનિક કોલેજમાં 4 રાઉન્ડમાં ગણતરી
વડોદરામાં મનપાના ઉમેદવારોના ભાવિનો ફેંસલો પોલિટેકનિક કોલેજ ખાતે થશે. તંત્ર દ્વારા માત્ર 4 રાઉન્ડમાં જ ગણતરી પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે, જેથી પરિણામો વહેલા જાણી શકાશે. મનપાની સાથે સાથે જિલ્લા અને તાલુકા પંચાયતોના પરિણામો પણ આજે જાહેર થવાના હોવાથી ગ્રામીણ વિસ્તારોમાં પણ ઉત્તેજનાનો માહોલ છે.
ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં 483 ઉમેદવારોની કસોટી
સુરતમાં 30 બેઠકો માટે મેદાનમાં ઉતરેલા 483 ઉમેદવારોના નસીબ આજે ખુલશે. ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં કડક સુરક્ષા વચ્ચે મતગણતરી શરૂ થઈ છે.
આ પણ વાંચો: Gujarat Local Body Election Results 2026: આજે સવારે 9 વાગ્યાથી 382 સ્થાનો પર મતગણતરી હાથ ધરાશે