સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા શિક્ષિત અને યુવા ચહેરાઓને મેદાનમાં ઉતારવાનો સિલસિલો યથાવત છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમીરગઢ તાલુકા પંચાયતની માનપુરિયા સીટ પર ભાજપે માત્ર 22 વર્ષની ઉંમર ધરાવતી વિદ્યાર્થિની રાધા ભીલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

ઉચ્ચ અભ્યાસ અને આત્મવિશ્વાસનો સંગમ

રાધા ભીલ હાલમાં MA (માસ્ટર ઓફ આર્ટ્સ) ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહી છે. એક તરફ તેમનો ઉચ્ચ અભ્યાસ ચાલુ છે, ત્યારે બીજી તરફ પક્ષે તેમના પર ભરોસો મૂકીને રાજકારણના મેદાનમાં ઉતાર્યા છે. નાની ઉંમર હોવા છતાં રાધા ભીલમાં ગજબનો આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે, જે મતદારોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

લોકસેવાની નેમ

પોતાની ઉમેદવારી અંગે વાત કરતા રાધાએ જણાવ્યું હતું કે, તેઓ અભ્યાસની સાથે સાથે સમાજ અને પોતાના વિસ્તારના લોકોની સેવા કરવા માંગે છે. જો તેઓ આ ચૂંટણીમાં વિજેતા બનશે, તો માનપુરિયા વિસ્તારના પ્રશ્નોને વાચા આપશે અને લોકસેવાના કાર્યોને પ્રાથમિકતા આપશે તેવું વચન તેમણે આપ્યું છે.

આ પણ વાંચો: Local Body Elections 2026: ચૂંટણી પહેલા જ કેસરિયો માહોલ, ભરૂચ, નવસારી અને ખેડામાં અનેક બેઠકો બિનહરીફ