રાજ્યમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે, ત્યારે ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 2 માંથી એક ચોંકાવનારી તસવીર સામે આવી છે. અહીંના ઇકરા મતદાન મથક પર મતદાન પ્રક્રિયા દરમિયાન વીજળી ગુલ થઈ જતા મતદારો અને ચૂંટણી સ્ટાફ ભારે મુશ્કેલીમાં મુકાયો હતો. આકરી ગરમી વચ્ચે પંખા-લાઈટ બંધ થતા લોકોએ મીણબત્તી અને મોબાઈલ ટોર્ચના સહારે મતદાન કર્યું હતું.


મીણબત્તી અને ટોર્ચનો સહારો

વોર્ડ નંબર 2 માં આવેલ ઇકરા બૂથ પર મતદાનની કામગીરી ચાલુ હતી ત્યારે અચાનક વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. મતદાન મથકની અંદર ઘોર અંધારું છવાઈ જતા પ્રક્રિયા થંભી ગઈ હતી. જોકે, ઉત્સાહી મતદારો અને સ્ટાફે હાર માન્યા વગર મીણબત્તીઓ સળગાવી હતી અને કેટલાક લોકોએ પોતાના મોબાઈલની ટોર્ચ ચાલુ કરી હતી. આ અલ્પ પ્રકાશમાં મતદારોએ પોતાનો મતાધિકાર ઉપયોગ કર્યો હતો.

EVM ખોટકાયાના આક્ષેપ

માત્ર લાઈટ જ નહીં, પરંતુ અહીંના મતદારોએ એવો પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે મતદાન દરમિયાન EVM મશીન પણ વારંવાર ખોટકાઈ રહ્યું હતું. વીજળીના અભાવે અંધારામાં મશીન બરાબર કામ કરી રહ્યું છે કે નહીં તે બાબતે મતદારોમાં મુંઝવણ અને આશંકા જોવા મળી હતી.

આ પણ વાંચો: Gujarat Local body election 2026 : ગુજરાતમાં મતદાનના પ્રારંભે અનેક જગ્યાએ EVM ખોટકાયા, ટેકનિકલ ખામીને પગલે પ્રક્રિયા પ્રભાવિત


  • Follow us on: