બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે ભાજપના એક વરિષ્ઠ નેતાના વિવાદિત નિવેદને સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. ભાજપ નેતા ભગવાન પટેલે એક જાહેર સંબોધન દરમિયાન મતદારોને આડકતરી ચીમકી આપતા કહ્યું કે, જો ભાજપને મત નહીં આપો તો પાણીની પાઇપલાઇનોમાં પાણી નહીં આવે.


'હાલ તો માત્ર ભૂંગળા જ નાખ્યા છે'

ભગવાન પટેલે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, "ભાજપને વોટ આપજો, હાલ તો અમે માત્ર ભૂંગળા (પાઇપલાઇન) નાખ્યા છે, હજુ તેમાં પાણી આવવાનું બાકી છે." તેમણે વધુમાં ઉમેર્યું કે, 150 કરોડના ખર્ચે પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે, પરંતુ જો મત નહીં મળે તો પાણી લાવવા માટેની પ્રક્રિયા અટકી શકે છે તેવો આડકતરો ઈશારો તેમણે કર્યો હતો.

ગાંધીનગર જવામાં પગ નહીં ઉપડે

વધુમાં, મતદારોને સંબોધતા તેમણે વિવાદિત સુર છેડતા કહ્યું કે, "જો તમે ભાજપને મત નહીં આપો, તો તમારા ગામના કામ કરાવવા માટે ગાંધીનગર જતા અમારા પગ નહીં ઉપડે." તેમણે મતદારોને સમજાવતા કહ્યું કે રાજ્યમાં સરકાર ભાજપની જ છે, તેથી પોતાનો મત કોઈ અન્ય પક્ષને આપીને વ્યર્થ ન કરવો જોઈએ.

રાજકીય પ્રતિક્રિયા

ભાજપના નેતાના આ નિવેદન બાદ વિપક્ષ અને સ્થાનિક લોકોમાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. લોકોમાં એવી ચર્ચા છે કે વિકાસના કામોને મતો સાથે સાંકળીને લોકશાહીમાં મતદારો પર દબાણ લાવવાનો આ પ્રયાસ છે. આ વિવાદિત નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ધાનેરા બેઠક પર રાજકીય માહોલ વધુ તેજ બન્યો છે.

આ પણ વાંચો: Ahmedabad: સાબરમતી રેલવે સ્ટેશન પર એન્જિનિયરિંગ કામગીરીને પગલે 19 એપ્રિલે રેલવે બ્લોક, બે મુખ્ય ટ્રેનોને અસર થશે

  • Follow us on: