સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર તૈયારીમાં લાગ્યું છે. આ વખતે રેગ્યુલર સહિત નિવૃત્ત શિક્ષકોને બૂથની બહારની કામગીરીની સાથે પ્રિસાઈડિંગ ઓફ્સિરના ઓર્ડર આપાતા વિવાદ સર્જાયો છે. ૩૦ હજારથી વધુ કર્મચારીઓની જરૂરિયાત સામે તંત્ર દ્વારા આડેધડ નિમણૂકો કરાતા શિક્ષકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં ચૂંટણી સ્ટાફની અછતને પગલે પટ્ટાવાળાની કામગીરી આચાર્યોને સોંપાતા તેઓ તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.
ભૂલોને કારણે હોદ્દાની ગરિમા જળવાઈ નથી
ચૂંટણી તંત્રની ગંભીર બેદરકારી ત્યારે સામે આવી જ્યારે અનેક શાળાના આચાર્યો અને એચ-ટાટ મુખ્ય શિક્ષકોને પટ્ટાવાળા તરીકેની કામગીરીના ઓર્ડર પધરાવી દેવામાં આવ્યા છે. જે આચાર્યો આખી શાળાનું સંચાલન કરે છે. તેમને વર્ગ-૪ ની કામગીરી સોંપાતા શિક્ષક સંગઠનોમાં રોષ ફાટી નીકળ્યો છે. કર્મચારીઓનું કહેવું છે કે ડેટા એન્ટ્રીમાં થયેલી ભૂલોને કારણે હોદ્દાની ગરિમા જળવાઈ નથી.
