જેની ગુજરાત ભાજપના લાખો કાર્યકર્તા ઘણા સમયથી રાહ જોઇ રહ્યા હતા તે ક્ષણ આખરે આવી ગઇ છે. આજે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થવાની છે. જગદીશ વિશ્વકર્મા ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે આજથી વિધીવત હોદ્દો સંભાળી લેશે.
પ્રદેશ પ્રમુખની ચૂંટણીની જાહેરાત
છેલ્લા ઘણા સમયથી ભાજપની સંગઠન ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી હતી પણ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની ચૂંટમી પ્રક્રિયા શરુ થઇ ન હતી જેથી વર્તમાન પ્રમુખ અને જળ શક્તિ મંત્રી સી.આર.પાટિલ આ હોદ્દો સંભાળી રહ્યા હતા. જો કે ત્રણ દિવસ પહેલાં જ ચૂંટણી અધિકારી દ્વારા પ્રદેશ પ્રમુખની ચૂંટણીની જાહેરાત કરાઇ હતી.
પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ તેમને મળીને મોં મીઠું કરાવ્યું
ગઇ કાલે રાજ્ય સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્માએ પોતાના સમર્થકો સાથે ભાજપના પ્રમુખ તરીકેનું ફોર્મ ભર્યું હતું. જો કે અન્ય કોઇ ફોર્મ ના ભરાતા તે વખતે જ સ્પષ્ટ થઇ ગયું હતું કે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જ હશે અને કાર્યકરોએ તેમને અભિનંદન આપવા માંડ્યા હતા. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ તેમને મળીને મોં મીઠું કરાવ્યું હતું.
આજે સવારે 10 વાગ્યે સત્તાવાર રીતે જાહેરાત થયા બાદ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખનો ચાર્જ સંભાળશે
જગદીશ વિશ્વકર્મા આજે સવારે 10 વાગ્યે સત્તાવાર રીતે જાહેરાત થયા બાદ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખનો ચાર્જ સંભાળશે. પ્રદેશ ચૂંટણી સમિતિ તેમને નવા પ્રમુખ જાહેર કરશે. સવારે 10 વાગે ગાંધીનગર કમલમ ખાતે ખાસ સમારોહ યોજાશે જેમાં જગદીશ વિશ્વકર્મા નવા પ્રમુખનો આજે પદભાર સંભાળશે.
આ મહાનુભાવો રહેશે હાજર
આજે કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ કે.લક્ષ્મણ, પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જળશક્તિ મંત્રી તથા વર્તમાન પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થશે.
અન્ય ઉમેદવાર ન હોવાથી તેઓ બિનહરીફ જાહેર
ઉલ્લેખનિય છે કે જગદીશ વિશ્વકર્માએ ગઇકાલે ઉમેદવારી કરી હતી પણ ભાજપના પ્રમુખ તરીકે અન્ય ઉમેદવાર ન હોવાથી તેઓ બિનહરીફ જાહેર થશે
જગદીશ વિશ્વકર્મા OBC સમાજનો જાણીતો ચહેરો
જગદીશ વિશ્વકર્મા OBC સમાજનો જાણીતો ચહેરો છે અને તેમને પ્રદેશ પ્રમુખ બનાવીને ભાજપે માસ્ટર સ્ટ્રોક માર્યો છે. વિશ્વકર્મા અગાઉ અમદાવાદ શહેર પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને હાલ તેઓ રાજ્ય. સરકારમાં સહકાર મંત્રીનો હોદ્દો સંભાળી રહ્યા છે. તેઓ અમદાવાદની નિકોલ બેઠક પરથી ધારાસભ્ય છે. અગાઉ તેઓ નિકોલથી 2012, 2017 અને 2022માં ચૂંટાયા હતા.