ગુજરાત રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણ અને મોટા ફેરફારોને લઈને ગાંધીનગરમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ સમગ્ર પ્રક્રિયાનું નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બંસલ કરી રહ્યા છે. મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે સુનીલ બંસલ CM ના નિવાસસ્થાને મંત્રીઓ સાથે 'વન-ટુ-વન' બેઠક યોજવાના છે. આ બેઠકમાં સંગઠન મહામંત્રી પણ હાજર રહી શકે છે, જે સંગઠન અને સરકાર વચ્ચેના સમન્વયને મજબૂત બનાવશે. આ બેઠક ખાસ કરીને એવા મંત્રીઓ સાથે કરવામાં આવશે, જેમને મંત્રીમંડળમાંથી પડતા મૂકવામાં આવનાર છે.


બેઠકમાં જ રાજીનામા પર લેવાશે સહી

મંત્રીમંડળમાં ફેરફારની પ્રક્રિયા અત્યંત ઝડપી અને ગુપ્ત રીતે કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, CM નિવાસસ્થાને યોજાનારી આ વન-ટુ-વન બેઠકમાં જ મંત્રીઓના રાજીનામા પર તેમની સહી લેવામાં આવશે. આ નિર્ણય દર્શાવે છે કે પક્ષ હાઈકમાન્ડ હવે કોઈ વિલંબ કર્યા વિના મોટા ફેરફારો કરવા માંગે છે. જે મંત્રીઓને પડતા મુકવાના છે, તેમને આ બેઠકમાં જ તેમના નિર્ણય વિશે જાણ કરવામાં આવશે અને તાત્કાલિક રાજીનામું લેવામાં આવશે. હાલમાં તમામ મંત્રીઓ તેમના સરકારી નિવાસસ્થાને હાજર છે અને તેઓ આ બેઠક માટેના સંકેતોની રાહ જોઈ રહ્યા છે.

સમગ્ર રાજ્યમાંથી ધારાસભ્યો ગાંધીનગર પહોંચ્યા

મંત્રીમંડળ વિસ્તરણની અટકળો અને તૈયારીઓને પગલે રાજ્યભરમાંથી ધારાસભ્યોને તાત્કાલિક ગાંધીનગર પહોંચવા માટે સૂચના આપવામાં આવી છે. જે ધારાસભ્યો તેમના વિસ્તારમાં હતા, તેઓ પણ તાત્કાલિક ગાંધીનગર આવી પહોંચ્યા છે, જેના કારણે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. નવા મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે અને કોનો ભોગ લેવાશે, તે અંગે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. CM અને રાષ્ટ્રીય મહામંત્રીની બેઠકોનો આ દોર પૂર્ણ થયા બાદ મોડી રાત સુધીમાં નવા મંત્રીમંડળમાં સમાવિષ્ટ થનારા ધારાસભ્યોને સત્તાવાર સૂચના મળી શકે છે.



  • Follow us on: