આજે જ્યારે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સાબલવાડ કંપા ગામેથી વિરોધની એક અત્યંત પ્રબળ તસવીર સામે આવી છે. ગામના વર્ષો જૂના વિકાસના પ્રશ્નો વણઉકેલાયેલા રહેતા ગ્રામજનોએ 'વિકાસ નહીં તો મત નહીં'ના સૂત્રને સાર્થક કરતા આજે સવારથી અત્યાર સુધી શૂન્ય ટકા મતદાન નોંધાવ્યું છે.
પુલિંગ સ્ટાફની લાંબી રાહ
સાબલવાડ કંપામાં ઉભા કરવામાં આવેલા મતદાન મથકો પર આજે વિચિત્ર સ્થિતિ જોવા મળી હતી. સવારથી જ પુલિંગ સ્ટાફ અને સુરક્ષા જવાનો તમામ તૈયારીઓ સાથે તૈયાર બેઠા છે, પરંતુ મથક પર એક પણ મતદાર ડોકાયો નથી. ચૂંટણી અધિકારીઓ અને કર્મચારીઓ આતુરતાથી મતદારોની રાહ જોઈ રહ્યા છે, પરંતુ ગ્રામજનોએ મતદાન મથક તરફ પગ પણ મૂક્યો નથી.










