રાજ્યભરમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉત્સાહપૂર્વક મતદાન થઈ રહ્યું છે, ત્યારે સાબરકાંઠાના ઈડર તાલુકાના સાબલવાડ કંપા ગામેથી વિરોધના આકરા સૂર સામે આવ્યા છે. ગામની લાંબા સમયની પડતર સમસ્યાઓ અને સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ગ્રામજનોએ એકસૂરે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. પરિણામે, મતદાન શરૂ થયાના બે કલાક વીતી ગયા હોવા છતાં ગામમાં 0% મતદાન નોંધાયું છે.
સન્નાટો અને ખાલીખમ મતદાન મથકો
સાબલવાડ કંપા ગામે વહેલી સવારથી જ મતદાન મથકો પર કોઈ મતદાર ડોકાયું નથી. સામાન્ય રીતે જ્યાં લાંબી કતારો જોવા મળે છે, ત્યાં આજે માત્ર ચૂંટણી સ્ટાફ અને સુરક્ષા જવાનો જ જોવા મળી રહ્યા છે. સમગ્ર ગામમાં ચૂંટણીનો કોઈ જ માહોલ નથી, લોકોએ પોતાના ઘરે રહીને અથવા ખેતરોમાં જઈને મતદાનનો ત્યાગ કર્યો છે.
