સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં જૂનાગઢ ખાતે એક ગંભીર છબરડો સામે આવ્યો છે. જિલ્લા પંચાયતની બેઠકો માટે ઉમેદવારો નક્કી કરવામાં સ્થાનિક અને પ્રદેશ કક્ષાએ થયેલી સંકલનની ખામીને કારણે પક્ષની ભારે ફજેતી થઈ રહી છે.

નામમાં ગરબડ અને મેન્ડેટનો વિવાદ

વડાલ જિલ્લા પંચાયત સીટ માટે ભાજપ પ્રદેશ કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં મનસુખભાઈ ડાહ્યાભાઈ વધેરાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, નવાઈની વાત એ છે કે ફોર્મ ભરતી વખતે મનસુખભાઈ રાણાભાઈ વધેરાએ ઉમેદવારી નોંધાવી છે. પ્રદેશની યાદીમાં એક નામ અને ફોર્મ ભરવામાં બીજું નામ આવતા રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

દબાણથી ફોર્મ ભર્યાની કબૂલાત

આ મામલે સૌથી ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે ઉમેદવારે પોતે જ સ્વીકાર્યું કે તેમણે આ બેઠક માટે કોઈ દાવેદારી કરી નહોતી. મનસુખ રાણા વધેરાએ મીડિયા સમક્ષ કબૂલાત કરી છે કે, ભાજપના સ્થાનિક નેતાઓના દબાણના કારણે તેમણે આ ફોર્મ ભર્યું છે. પ્રદેશની યાદીમાં નામની ગરબડ હોવા છતાં સ્થાનિક કક્ષાએ ઉતાવળમાં આ નિર્ણય લેવાયો હોવાનું જણાય છે.

આ પણ વાંચો: Local Body Elections 2026: અમીરગઢમાં ભાજપે 22 વર્ષની પોસ્ટ ગ્રેજ્યુએશનની વિદ્યાર્થિની પર ઉતારી પસંદગી