ચૂંટણીની મોસમ જામી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર શહેરમાં સ્થાનિક રહીશોએ રાજકીય પક્ષો અને વહીવટી તંત્ર સામે બાંયો ચઢાવી છે. લખતર શહેરના મફતિયાપરા વિસ્તાર અને વડવાળા શેરીના રહીશોએ છેલ્લા 25 વર્ષથી પાયાની સુવિધાઓથી વંચિત હોવાના આક્ષેપ સાથે આગામી ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની જાહેરાત કરી દીધી છે.

સમસ્યાઓનું પોટલું અને રહીશોનો રોષ

સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા અઢી દાયકાથી આ બંને વિસ્તારોમાં રોડ-રસ્તા, ગટર અને પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓનું કોઈ ઠેકાણું નથી. વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતા રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રહીશોએ સ્પષ્ટ શબ્દોમાં બેનરો પર લખ્યું છે કે, "કોઈ પણ રાજકીય પક્ષે પ્રચાર માટે આ વિસ્તારમાં આવવું નહીં."

રાજકીય ગરમાવો

ચૂંટણી ટાણે જ બહિષ્કારના બેનરો લાગતા લખતરના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. મતદારોનો આ મિજાજ જોઈને રાજકીય પક્ષોના સમીકરણો બગડી શકે તેમ છે. લોકોનું કહેવું છે કે દર વખતે વોટ માંગવા આવતા નેતાઓ જીત્યા પછી મોઢું બતાવતા નથી, તેથી આ વખતે 'વિકાસ નહીં તો વોટ નહીં'ની નીતિ અપનાવવામાં આવી છે.

આ પણ વાંચો: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના નિધન બાદ ખાલી પડેલી બેઠક પર આજે મતદાન