લોકશાહીના પર્વ સમાન ચૂંટણી નજીક આવતા જ રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે, ત્યારે મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનું બેડવલ્લી ગામ તંત્ર અને સરકાર સામે રોષ વ્યક્ત કરી રહ્યું છે. વર્ષોથી પડતર રોડના દબાણની સમસ્યાનું નિરાકરણ ન આવતા ગ્રામજનોએ એકમતે ચૂંટણી બહિષ્કારનું એલાન કર્યું છે.

જિલ્લા ભાજપ પ્રમુખની મુલાકાત

ગામમાં 'ચૂંટણી બહિષ્કાર'ના બેનરો લાગતા જ ભાજપ સંગઠન હરકતમાં આવ્યું છે. જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારીયા સહિતના સ્થાનિક આગેવાનો બેડવલ્લી ગામે પહોંચ્યા હતા. તેમણે ગ્રામજનો સાથે મિટિંગ યોજીને લોકશાહીના પર્વમાં ભાગ લેવા અને મતદાન કરવા માટે આહવાન કર્યું હતું. ભાજપ દ્વારા સમજાવટના પ્રયાસો કરાયા હતા કે સમસ્યાનો ઉકેલ જલ્દી લાવવામાં આવશે.

ગ્રામજનોનો મક્કમ નિર્ધાર

જોકે, ભાજપના આગેવાનોની સમજાવટ ગ્રામજનોના રોષ સામે ટૂંકી પડી હતી. ગામના આગેવાનો અને સ્થાનિકોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે, છેલ્લા કેટલાય વર્ષોથી તેઓ રોડ પરના દબાણની સમસ્યા ભોગવી રહ્યા છે, જેના કારણે ગામના વિકાસ અને અવરજવરમાં મુશ્કેલી પડે છે. અનેક રજૂઆતો છતાં તંત્ર નિંભર રહ્યું હોવાથી હવે 'જ્યાં સુધી ઉકેલ નહીં, ત્યાં સુધી મત નહીં'ના સૂત્ર સાથે તેઓ ચૂંટણી બહિષ્કારને મક્કમતાથી આગળ વધારશે.

દબાણ હટાવવાની માંગ

બેડવલ્લી ગામના લોકોનો મુખ્ય આક્ષેપ છે કે ગામના રોડ પર જે ગેરકાયદેસર દબાણ છે, તેને હટાવવામાં તંત્ર નિષ્ફળ ગયું છે. જ્યાં સુધી આ દબાણ દૂર કરીને રોડ ખુલ્લો કરવામાં નહીં આવે, ત્યાં સુધી મતદાન તો શું, કોઈ પણ રાજકીય પક્ષને ગામમાં પ્રચાર પણ કરવા દેવામાં નહીં આવે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

આ પણ વાંચો: Local body Election 2026: મહિલા મોરચાના પ્રમુખે કેસરીયો ત્યાગ્યો, તમામ હોદ્દા પરથી આપ્યું રાજીનામું