આજે રાજ્યભરમાં ચાલી રહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનમાં મોરબી જિલ્લાના હળવદ તાલુકામાંથી એક અદભૂત અને પ્રેરણાદાયી તસવીર સામે આવી છે. હળવદના ચરાડવા ગામના રહેવાસી એવા 104 વર્ષના વયોવૃદ્ધ માજીએ આકરી ગરમી અને મોટી ઉંમરની શારીરિક મર્યાદાઓને બાજુ પર મૂકીને મતદાન કર્યું હતું.

લોકશાહીના સૌથી વૃદ્ધ સાક્ષી

હળવદના ચરાડવા ખાતે રહેતા કાશીબેન લાલજીભાઈ માકાસણાની ઉંમર ૧૦૪ વર્ષ છે. તેમણે હળવદની ચૈતન્ય નગર પ્રાથમિક શાળા ખાતેના મતદાન મથક પર પહોંચીને પોતાનો મતાધિકાર ઉપયોગ કર્યો હતો. ૧૦૪ વર્ષના કાશીબાને મતદાન મથક પર જોઈને અન્ય મતદારો અને ત્યાં હાજર ચૂંટણી સ્ટાફ પણ નતમસ્તક થઈ ગયો હતો.

યુવાનો માટે પ્રેરણા

જ્યારે અનેક યુવાનો ગરમી કે આળસને કારણે મતદાન કરવાથી અળગા રહેતા હોય છે, ત્યારે કાશીબાએ પોતાની પવિત્ર ફરજ નિભાવીને સમાજને મોટો સંદેશ આપ્યો છે. મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ તેમના ચહેરા પર એક અલગ જ પ્રકારનો સંતોષ અને હરખ જોવા મળ્યો હતો. તેમના પરિવારના સભ્યોએ પણ ગૌરવ સાથે તેમને મતદાન મથક સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.

આ પણ વાંચો: Ahmedabad: બાપુનગરમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ