સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાન પહેલા જ પાલીતાણાના રાજકારણમાં મોટા ઉલટફેર જોવા મળ્યા છે. પાલીતાણા શહેર કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું છે, જેના કારણે કોંગ્રેસની છાવણીમાં સન્નાટો છવાઈ ગયો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ ઓમદેવસિંહ સરવૈયા અને પૂર્વ વિપક્ષ નેતા કિરીટ સાગઠીયાએ વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે.

અવગણનાનો આક્ષેપ અને રાજીનામું

રાજીનામું આપતા ઓમદેવસિંહ સરવૈયાએ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે, પાર્ટીમાં ટિકિટ ફાળવણી દરમિયાન પાયાના અને મજબૂત કાર્યકરોની અવગણના કરવામાં આવી છે. વધુમાં, કોંગ્રેસે થોડા સમય પહેલા જ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયેલા હોદ્દેદારોને ફરી સામેલ કરતા પક્ષમાં આંતરિક અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો હતો.

ભાજપમાંથી જંગના મેદાને

કોંગ્રેસને રામ-રામ કર્યાના થોડા જ સમયમાં ઓમદેવસિંહે ભાજપમાં જોડાઈને વોર્ડ નંબર 1 માંથી ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધું છે. પાલીતાણા શહેરમાં મજબૂત પકડ ધરાવતા આ નેતાઓના જવાથી કોંગ્રેસ માટે સ્થિતિ કપરી બની છે, જ્યારે રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે હવે ભાજપ માટે તમામ વોર્ડમાં જીતનો માર્ગ વધુ મોકળો બન્યો છે.

આ પણ વાંચો: Local Body Elections 2026 : ધિણોજ સીટ પર ભાજપનો 'દેશી' અંદાજ,બળદગાડામાં સવાર થઈ ફોર્મ ભરવા પહોંચ્યા!