રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય પક્ષોમાં પ્રચારની સાથે ઉકળાટ પણ જોવા મળી રહ્યો છે.ત્યારે રાજકોટ શહેર વોર્ડ નં.2 માં જોવા મળ્યા છે.વોર્ડ સંકલનની એક બેઠક જે પૂર્વ કોર્પોરેટરના નિવાસસ્થાને મળી હતી.આ બેઠકમાં ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ મોડા પહોંચ્યા બાદ તેમની અને પૂર્વ કોર્પોરેટર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.ધારાસભ્યએ બેઠકમાં પહોંચતાની સાથે જ પૂર્વ કોર્પોરેટર અને કાર્યકરો સાથે ચર્ચા શરૂ કરતા પૂર્વ કોર્પોરેટરે મોરચો માંડ્યો હતો અને ધારાસભ્યને જાહેરમાં ઉધડા લીધા હતા.
આગેવાનોએ વચ્ચે પડીને સમાધાન કરાવ્યું
પૂર્વ કોર્પોરેટરે આક્ષેપ કર્યો હતો કે,વોર્ડ નં.2 માં જૈન સમાજની વસ્તી નહિવત હોવા છતાં માત્ર જ્ઞાતિવાદ રાખીને પોતાના સમાજને જ ટીકીટો ફાળવવામાં આવી છે અને બહુમતી ધરાવતા લોહાણા સમાજની અવગણના કરવામાં આવી રહી છે. આ ઉગ્ર ચર્ચા દરમિયાન જ્યારે ધારાસભ્ય ડો.દર્શિતા શાહે કહ્યું કે,હું ધારાસભ્ય છું, ત્યારે પૂર્વે કોર્પોરેટરે જવાબ આપતા કહ્યું હતું કે, તમે ધારાસભ્ય હશો પણ ભગવાન નથી!આ સાંભળતા જ બેઠકમાં હાજર અન્ય હોદ્દેદારો અને કાર્યકરો સ્તબ્ધ થઈ ગયા હતા. અંતે મામલો વધુ ન વણસે તે માટે અન્ય આગેવાનોએ વચ્ચે પડીને સમાધાન કરાવ્યું હતું.













