સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી કરવાની મુદત પૂરી થવાની સાથે જ હવે ચૂંટણીનો માહોલ બરાબર જામશે.રાજકીય પક્ષોની સાથે મતદારો, કાર્યકરોમાં હવે મતદાન અને પરિણામો મુદ્દે થનગનાટ શરૂ થશે. દરમિયાન આગામી 26 એપ્રિલે મિની ભારત ગણાતા સુરતમાં ‘મીની ભારત' જેવો જ ચૂંટણીજંગ ખેલાશે. 30 વર્ષથી શાસક પક્ષ તરીકે કાર્યરત ભાજપે આ વખતે 27 પરપ્રાંતિયોને ટિકિટ આપી છે. 35 ઓબીસી ઉમેદવારો સાથે 14 મરાઠી, 6 ઉત્તર ભારતીય, 8 રાજસ્થાની ઉમેદવારો પણ ચૂંટણી લડશે.
2026માં 27 જેટલા પરપ્રાંતીયોને ટિકિટ આપી
ભાજપે શુક્રવારે મોડી રાત્રીએ જાહેર કરેલી 120 ઉમેદવારોની યાદીમાં 37ને રિપીટ કરવામાં આવ્યા છે. ગત ચૂંટણી 2021માં ભાજપે 93 જીત કબજે કરી હતી. તે પૈકી 37ને રિપીટ કરાયા હોય 56 કોર્પોરેટરોની સીધી બાદબાકી કરી દેવામાં આવી છે. પૂર્વ મેયર હેમાલી બોધાવાલા, શાસક પક્ષ નેતા શશી ત્રિપાઠી, દંડક ધર્મેશ વાણિયાવાલા, ડ્રેનેજ સમિતિ ચેરમેન કેયૂર ચપટવાલા સહિતઓને ટિકિટ અપાઈ નથી. સમીકરણોની આટીઘૂંટીમાં અનેકની ટિકિટ કપાઈ ગઇ છે. બીજી બાજુ ભાજપે 2021માં 26 સામે ચાલુ વર્ષે 2026માં 27 જેટલા પરપ્રાંતીયોને ટિકિટ આપી છે. મળતી માહિતી મુજબ, વોર્ડ નંબર-23થી 30 મળીને એટલે કે 8 વોર્ડ મળીને 14 મરાઠી ચહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
સુરતમાં રાજસ્થાની સમુદાયની મોટી વસ્તી
ગત વર્ષે એક તેલુગુ સમાજને ટિકિટ આપવાનો સિલસિલો આ વર્ષે પણ અકબંધ રહ્યો છે. જ્યારે વોર્ડ નંબર-23, 26, 27, 29 અને 30માં 6 ઉત્તર ભારતીયો ઉમેદવારી નોંધાવશે. સુરતમાં રાજસ્થાની સમુદાયની મોટી વસ્તી છે અને વેપાર-ઉદ્યોગમાં મહત્ત્વનું યોગદાન આપે છે ત્યારે રાજસ્થાની સમાજના 6 ઉમેદવારોને પણ ટિકિટ અપાઈ છે. અનામત રોસ્ટર પ્રમાણે 32 બેઠક ઓબીસી માટે અનામત રાખવામાં આવી છે. જે પૈકી ભાજપે 32 સિવાય અન્ય વોર્ડ નંબર-3, વોર્ડ-15, વોર્ડ-21માં સામાન્ય બેઠકો પર ઓબીસી ઉમેદવારને ટિકિટ ફાળવણી થઇ છે.
સુમનદેવી ગર્ગને મેન્ડેટ આપવામાં આવ્યો
શુક્રવારે રાત્રીએ 10.30 વાગ્યે ભાજપની જાહેર થયેલી પહેલી યાદીમાં વોર્ડ નંબર-21માં દીપિકા અંકેશ ધૃતને ટિકિટ આપવામાં આવી હતી. જોકે, બાદમાં સમાજ સ્તરે થયેલી રજુઆત અથવા તો નારાજગીને કારણે ભાજપે આ વોર્ડમાં મહિલા ઉમેદવારને બદલવાની ફરજ પડી હતી. અંતિમ ઘડીએ દીપિકા દ્યૂતને બદલે જાણીતા કાપડ વેપારી અને રાજસ્થાની સમાજના અગ્રણી વિમલ ગર્ગની પત્ની સુમનદેવી ગર્ગને મેન્ડેટ આપવામાં આવ્યો હતો. આ બદલાવને કારણે નેતાઓ, કાર્યકરોમાં અજપો જોવા મળ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, અગ્રવાલ સમાજની અનદેખી કરવામાં આવી હોવાની રજૂઆત બાદ મોડી રાતે બેઠકનો દોર ચાલ્યો હતો અને તેમાં અંતે અગ્રવાલ સમાજમાંથી આવતા સુમનદેવી ગર્ગની પસંદગી થઇ હતી.
કેટલાક ઉમેદવારોની પસંદગીએ ખાસ્સી ચર્ચા જગાડી
ભાજપની ટિકિટ ફાળવણીમાં કેટલાક ઉમેદવારોની પસંદગીએ ખાસ્સી ચર્ચા જગાડી હતી. જે મુજબ, વોર્ડ નંબર-14માં પૂર્વ કોર્પોરેટર રાજેશ્રી મૈસુરીયાના પતિ સતિષ મૈસુરીયાને ટિકિટ અપાઇ હતી. શિક્ષણ સમિતિના પાછલી ટર્મના જ બે પૂર્વ સભ્યો એવા સંજય પાલિક અને અરવિંદ કાકડિયા હવે મહાનગરપાલિકામાં ચૂંટણી લડશે. સમિતિના પૂર્વ સભ્ય શુભમ ઉપાધ્યાયની પત્ની અંજલિ ઉપાધ્યાયની પસંદગી કરવામાં આવી હતી. જયારે વોર્ડ નંબર-29માં પૂર્વ કોર્પોરેટર બંશુ યાદવના પુત્રવધુ સુહાની યાદવને ટિકિટ મળી છે.
આ પણ વાંચોઃ Mehsana News: મેં ઘર અને વ્યવસાય છોડી પક્ષને સમય આપ્યો, તો આજે મારી ગણતરી કેમ નહીં : મહિલા કાર્યકરનો આક્રોશ