વડોદરામાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનના પ્રારંભે જ કેટલીક જગ્યાએ ટેકનિકલ અવરોધ જોવા મળ્યા છે. ખાસ કરીને શહેરની કુબેરેશ્વર શાળામાં આવેલા બૂથ નંબર 7 પર EVM મશીન ઠપ્પ થઈ જતા મતદાન પ્રક્રિયા અટકી પડી હતી, જેના કારણે વહેલી સવારથી લાઈનમાં ઉભેલા મતદારો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.

30 મિનિટમાં જ મશીને દગો દીધો

સવારે 7 વાગ્યે મતદાન શરૂ થયાના માત્ર 30 મિનિટની અંદર જ કુબેરેશ્વર શાળાના બૂથ નંબર 7 પર EVM મશીનમાં ખામી સર્જાઈ હતી. મશીન અચાનક ઠપ્પ થઈ જતા મતદાન પ્રક્રિયા તાત્કાલિક રોકી દેવી પડી હતી. આકરી ગરમીની આગાહીને પગલે અનેક નાગરિકો વહેલી સવારથી જ મતદાન કરવા ઉમટી પડ્યા હતા, પરંતુ મશીન બંધ થતા તેઓ અટવાઈ ગયા હતા.

મતદારોમાં રોષ અને અજંપો

લાઈનમાં ઉભેલા વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓમાં તંત્રની અવ્યવસ્થા સામે રોષ જોવા મળ્યો હતો. ગરમીનો પારો ઉંચકાય તે પહેલા મતાધિકારનો ઉપયોગ કરવાની ઈચ્છા રાખતા મતદારોને મશીન રીપેર કે રિપ્લેસ થાય ત્યાં સુધી કતારોમાં ઉભા રહેવાની ફરજ પડી હતી.

આ પણ વાંચો: Gujarat Local body election 2026 : ભરૂચમાં લોકશાહીના પર્વ પર અંધારપટ, ઇકરા બૂથ પર વીજળી ગુલ થતા મીણબત્તીના પ્રકાશમાં મતદાન