ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડધમ વાગી રહ્યાં છે. ઉમેદવારોની પસંદગી માટે રાજકીય પક્ષો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે. ત્યારે વાવ થરાદમાં ધરણીધર તાલુકામાં કોંગ્રેસના ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. આ પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ સામે આકરા પ્રહારો કર્યા હતાં. ગેનીબેન ઠાકોરે અગાઉ પણ પોલીસ અને ચૂંટણી પંચને નિષ્પક્ષ રહીને કામગીરી કરવા અપીલ કરી હતી.
હું ગામડે ગામડે ફરીને લોકોને મળતી હતી
વાવ થરાદના ધરણીધર તાલુકામાં યોજાયેલી કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે, ભાજપને ચૂંટણી આવે એટલે વાયદા યાદ આવે છે. 30 વર્ષથી સરકાર હોવા છતાં કોંગ્રેસના કાર્યકરોની જરૂર પડે છે. કામ કર્યું હોત તો કોંગ્રેસના માણસોને શોધવા ના પડત. ભાજપ વાળાએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. તેમણે કહ્યું હતું કે, મેં મારા ધારાસભ્ય તરીકેના કાર્યકાળમાં ડામરના રોડ બનાવ્યા. હવે હું સાંસદ છું પણ છેલ્લા દોઢ વર્ષથી ભાજપના રનીંગ ધારાસભ્ય દેખાતા નથી. હું ગામડે ગામડે ફરીને લોકોને મળતી હતી.
