વેરાવળ નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય પક્ષો તૈયારી કરી રહ્યા છે, ત્યારે શહેરના વોર્ડ નંબર 9માં પક્ષો માટે મુશ્કેલી ઉભી થાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રિયોન હાઉસિંગ સોસાયટી સહિતના વિસ્તારોમાં સ્થાનિકોએ એકઠા થઈને ચૂંટણી પ્રચાર માટે આવતા બહારના ઉમેદવારો વિરુદ્ધ મોરચો માંડ્યો છે.
સ્થાનિક ઉમેદવારની માંગ સાથે વિરોધ
વોર્ડ નંબર 9માં આવેલી રિયોન હાઉસિંગ સોસાયટીમાં મોડી રાત્રે અચાનક બેનરો લાગ્યા હતા, જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે આ વિસ્તારમાં પ્રચાર માટે માત્ર સ્થાનિક ઉમેદવારોએ જ આવવું. સ્થાનિકોનો આક્ષેપ છે કે રાજકીય પક્ષો દ્વારા આ વિસ્તારના રહીશ હોય તેવા વ્યક્તિને ટિકિટ આપવામાં આવતી નથી અને બહારના ઉમેદવારો થોપી બેસાડવામાં આવે છે. આ વખતે જનતાએ મન મનાવી લીધું છે કે જે ઉમેદવાર આ જ સોસાયટી કે વિસ્તારમાં રહેતા હોય, તેમને જ પ્રવેશ આપવામાં આવશે.










