રાજકોટના કાલાવડ રોડ પર આવેલી મટુકી રેસ્ટોરન્ટ પાછળ બાપા સીતારામ પાર્કમાં ગત 17 સપ્ટેમ્બરે બ્યુટી પાર્લર સંચાલિકા ગીતાબેન વાજાની તેમના જ ઘરમાં ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરાયેલી સસપન્સ હત્યાનો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ, LCB ઝોન-૨ અને યુનિવર્સિટી પોલીસની સંયુક્ત ટીમે ભેદ ઉકેલી નાખ્યો છે. આ ચકચારી હત્યા અને લૂંટના બનાવમાં મૃતકના ઘરની નજીક જ રહેતા અને કેટરિંગના કામ સાથે સંકળાયેલા મૂળ આગ્રા (ઉત્તર પ્રદેશ) ના બે સગા ભાઈઓ રામનરેશ અને શનીકુમાર જાટવની ધરપકડ કરવામાં આવી છે.

રાજકોટમાં બ્યુટી પાર્લર સંચાલિકા મર્ડર કેસનો પર્દાફાશ

પોલીસ તપાસમાં સામે આવેલી વિગત મુજબ, 14 સપ્ટેમ્બરે ગીતાબેન બહારથી ઘરેણાં પહેરીને ઘરે પરત ફરતા હતા ત્યારે પડોશમાં રહેતા રામનરેશની નજર તેમના પર પડી હતી. રામનરેશ પર પોતાના વતનમાં રૂ. 2 લાખનું દેવું હોય, તેણે નાણાંની લાલચમાં પોતાના ભાઈ શની સાથે મળીને ગીતાબેનના ઘરમાં લૂંટ કરવાનો પ્લાન ઘડ્યો હતો. 16-17 સપ્ટેમ્બરની મોડી રાત્રે અઢી વાગ્યા આસપાસ બંને ભાઈઓ પોતાની અગાસી પરથી ગીતાબેનના ઘરની અગાસી પર કુદી સીડી મારફતે નીચે ઘરમાં પ્રવેશ્યા હતા. આ દરમિયાન ગીતાબેન જાગી જતાં અને બૂમાબૂમ કરતા આરોપીઓએ તેમની પાસે રહેલી છરી વડે ગળાના ભાગે હુમલો કરી દઈ કરૂણ હત્યા નીપજાવી હતી અને ઘરમાંથી રૂ. 40,000 ની રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા.

લૂંટના ઇરાદે બે સગા ભાઈઓએ જ કરી હત્યા

હત્યા બાદ બંને આરોપીઓએ પકડાઈ જવાના ડરથી પોતાના ઘરની છત પર જ લોહીવાળા કપડાં સળગાવી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, શંકા ન જાય તે માટે તેઓ ઘર છોડીને ભાગ્યા ન હતા. શરૂઆતમાં રામનરેશે પોલીસને ગુમરાહ કરવા પોતાના કોન્ટ્રાક્ટર સહિત ૫ લોકોની સંડોવણી હોવાની ખોટી કહાની ઘડી હતી. જોકે, પોલીસે ટેકનિકલ તપાસ અને સઘન પૂછપરછ કરતાં ભાંગી પડેલા રામનરેશે કબૂલ્યું હતું કે પૈસા ન આપનાર ઠેકેદારને ફસાવવા તેણે ખોટું નામ આપ્યું હતું અને લૂંટ તથા હત્યા માત્ર તેમણે બે ભાઈઓએ જ કરી છે.

વતનમાં 2 લાખનું દેવું ચૂકવવા ઘડ્યો હતો લૂંટનો ખતરનાક પ્લાન

પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે મુખ્ય આરોપી રામનરેશ જાટવ સામે તેના વતન ઉત્તર પ્રદેશમાં અગાઉ સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરવા બદલ POCSO એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધાયેલો છે. હાલ પોલીસે લૂંટેલી રૂ. 40 હજારની રોકડ, હત્યામાં વપરાયેલી છરી અને સળગાવેલા કપડાંના અવશેષો કબજે કરવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: Ahmedabad: ગુજરાતમાં ઢળતી સંધ્યાએ મેઘરાજાની ધમાકેદાર રી-એન્ટ્રી; ખેડૂત આલમમાં ખુશીની લહેર